ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

PM મોદી રશિયા જવા રવાના, BRICS સમિટમાં લેશે ભાગ

  • પીએમ મોદીની રશિયાની બે દિવસીય મુલાકાત પર ગયા છે

નવી દિલ્હી, 22 ઓકટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આજે મંગળવારે રશિયાના કઝાન શહેર જવા રવાના થઈ ગયા છે. પીએમ મોદીની રશિયાની આ બે દિવસીય (22-23 ઓક્ટોબર) મુલાકાત છે. જ્યાં તેઓ રશિયાની અધ્યક્ષતામાં કઝાન શહેરમાં યોજાનારી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી કઝાનમાં તેમના સમકક્ષો અને બ્રિક્સ સભ્ય દેશોના આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે તેવી અપેક્ષા છે.

 

બ્રિક્સનો આ છે મુખ્ય વિષય 

16મી BRICS સમિટની મુખ્ય થીમ ‘સમાન વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવો’ છે. આ સમિટ અગ્રણી વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.

 

કાર્યક્રમનું આ છે શેડ્યુલ

PM મોદી 22-23 ઓક્ટોબરે રશિયામાં રહેશે. વિદેશ મંત્રાલય PM મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પર કામ કરી રહ્યું છે. બ્રિક્સ સમિટની વિગતો શેર કરતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, સંસ્થાપક સભ્યોની સાથે નવા સભ્યો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. સમિટ 22 ઓક્ટોબરથી શરૂ થશે અને પહેલા દિવસે સાંજે નેતાઓ માટે ડિનર હશે.

સમિટનો મુખ્ય દિવસ 23 ઓક્ટોબર (બુધવાર) છે. આ દિવસે બે મુખ્ય સત્રો હશે. સવારે બંધ પૂર્ણ સત્ર અને બપોરે ખુલ્લું પૂર્ણ સત્ર હશે. જે 16મી બ્રિક્સ સમિટમાં ચર્ચાનો મુખ્ય વિષય હશે.

 

સરહદ વિવાદ ઉકેલવા માટે ચીન સાથે નવી પહેલ

બ્રિક્સ સંમેલન પહેલા ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે. 2020થી ચાલી રહેલા સરહદ વિવાદને ઉકેલવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે. ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં 52 મહિનાથી ચાલી રહેલો સરહદી તણાવ દૂર થઈ ગયો છે. બંને દેશો વચ્ચે સૈન્ય અને રાજદ્વારી સ્તરે કવાયત બાદ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ અને સૈન્ય તણાવ ઘટાડવા માટે સમજૂતી થઈ છે.

બંને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ

નિર્ણયની જાહેરાત કરતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, 2020માં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની ઘટનાઓથી અમે સૈન્ય અને રાજદ્વારી સ્તરે ચીનના પક્ષ સાથે સતત સંપર્કમાં છીએ. WMCC અને સૈન્ય કમાન્ડર સ્તરે બંને દેશો વચ્ચે વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા છે.

પીએમ મોદીની મુલાકાત પહેલા કઝાન શહેરની તસવીરો બહાર આવી છે. અહીં ભારતીય સમુદાયના લોકો પણ પીએમ મોદીના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે.

આ દેશો બ્રિક્સ ગ્રુપમાં સામેલ છે

ગયા વર્ષના વિસ્તરણ પછી આ પ્રથમ BRICS સમિટ હશે. BRICS ગ્રુપમાં 2010થી બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. હવે ઈરાન, ઈજીપ્ત, ઈથોપિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ તેમાં જોડાઈ ગયા છે.

આ પણ જૂઓ: PMની મુલાકાત પૂર્વે રશિયન આર્મીમાંથી 85 ભારતીયોને મુક્ત કરાયા, હજુ 20 અંગે વાટાઘાટો ચાલુ

Back to top button