ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

PMની મુલાકાત પૂર્વે રશિયન આર્મીમાંથી 85 ભારતીયોને મુક્ત કરાયા, હજુ 20 અંગે વાટાઘાટો ચાલુ

  • વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આપી માહિતી

નવી દિલ્હી, 21 ઓક્ટોબર : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અત્યાર સુધીમાં રશિયન આર્મીમાં ભરતી થયેલા કુલ 85 ભારતીય નાગરિકોને રજા આપવામાં આવી છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સોમવારે જણાવ્યું હતું કે રશિયન સેનામાંથી અત્યાર સુધીમાં 85 ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે 20 અન્ય લોકોની મુક્તિ માટે ભારતીય અધિકારીઓ તેમના રશિયન સમકક્ષો સાથે સતત ચર્ચા કરી રહ્યા છે.

વધુમાં મિસ્ત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ મામલે અમારી માહિતી એ છે કે 20 ભારતીય લોકો હજુ પણ રશિયન સેના સાથે છે. અમે તેમની ટૂંક સમયમાં રિલીઝ પર પણ કામ કરી રહ્યા છીએ. જોકે, આ બાબતથી વાકેફ લોકોનું કહેવું છે કે PM મોદી જ્યારે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે મંગળવારે રશિયાના શહેર કઝાન પહોંચશે ત્યારે બાકીના ભારતીયોની મુક્તિ પર પણ PM મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ચર્ચા થશે.

રશિયન સૈન્યમાં ભારતીયોની ભરતીનો મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં ફ્રન્ટ લાઇન પર લડતા નવ ભારતીયો મૃત્યુ પામ્યા હતા. બાદમાં, ભારતીય લોકોનો રશિયન સૈન્યમાં જોડાવાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તેઓ સરકારને વિનંતી કરી રહ્યા હતા કે તેઓ તેમને ત્યાંથી બહાર કાઢે.

PM મોદીએ મોસ્કોમાં વાર્ષિક ભારત-રશિયા સમિટમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પગલે રશિયન લશ્કરી એકમોમાં સહાયક સ્ટાફ, જેમ કે રસોઈયા અને સહાયકો તરીકે સેવા આપતા ભારતીય નાગરિકોની મુક્તિ આપી હતી. વિદેશ સચિવે કહ્યું કે અત્યાર સુધીમાં 85 ભારતીયો રશિયાથી સ્વદેશ પરત ફર્યા છે. કમનસીબે અમને આ યુદ્ધ દરમિયાન જીવ ગુમાવનારા કેટલાક લોકોના મૃતદેહો પણ મળ્યા હતા.

અમે બાકીના 20 લોકોની મુક્તિ માટે રશિયન વાટાઘાટકારો પર સતત દબાણ બનાવી રહ્યા છીએ, અમને આશા છે કે તેઓ પણ જલ્દી સ્વદેશ પરત ફરશે. હિન્દુસ્તાન ટાઈમ્સે સપ્ટેમ્બરમાં જ એક અહેવાલ પ્રકાશિત કરતા કહ્યું હતું કે 85 ભારતીયોને મુક્ત કર્યા પછી, રશિયન સેનાએ બાકીના ભારતીયોની મુક્તિ પર રોક લગાવી દીધી હતી કારણ કે રશિયન સંરક્ષણ મંત્રાલયે તેમના સૈન્ય સેવા કરાર રદ કર્યા નથી.

આ મામલે નવી દિલ્હીમાં રશિયન એમ્બેસીએ ઓગસ્ટમાં કહ્યું હતું કે એપ્રિલમાં રશિયન આર્મીમાં ભારતીય નાગરિકોની ભરતી બંધ કરી દેવામાં આવી હતી. રશિયન અધિકારીઓ પણ સ્વૈચ્છિક રીતે સેનામાં ફરજ બજાવતા ભારતીયોને મુક્ત કરવા પર કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો :- ‘જન્મ પહેલાં લિંગ પરીક્ષણ કાયદેસર કરી દેવું જોઈએ’, જાણો કોણે આપ્યું આ ખળભળાટ મચાવતું નિવેદન

Back to top button