આવી ડબલ ઢોલકી નહીં ચાલે, કાંતો વકીલાત કરો અથવા પત્રકારત્વઃ જાણો સુપ્રીમ કોર્ટે કોને ઠપકો આપ્યો?
નવી દિલ્હી, 21 ઑક્ટોબર, 2024: સુપ્રીમ કોર્ટે આજે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે જે વ્યક્તિ વકીલાત કરતી હોય એ પત્રકારત્વ કેવી રીતે કરી શકે? બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના નિયમ મુજબ આવી બેવડી કામગીરી કરવા ઉપર પ્રતિબંધ છે ત્યારે એક વ્યક્તિ બંને ભૂમિકામાં કેવી રીતે હોઈ શકે તેમ ન્યાયમૂર્તિ અભય એસ. ઓકા તથા ન્યાયમૂર્તિ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ઉઠાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે વકીલાત કરવાની સાથે સાથે પત્રકારત્વ કરનાર મોહમ્મદ કામરનને આ પ્રશ્ન કર્યો હતો. કોર્ટે કહ્યું કે, તમે આવી રીતે બેવડી ભૂમિકામાં ન રહી શકો. અમે આવી પ્રેક્ટિસની પરવાનગી ન આપી શકીએ.
ન્યાયમૂર્તિએ મોહમ્મદ કામરનને કહ્યું કે, અમે આવી બેતરફી ભૂમિકાને પરવાનગી આપી ન શકીએ. આ એક પ્રામાણિક વ્યવસાય છે. એ સંજોગોમાં તમે પોતાની જાતને સ્વતંત્ર પત્રકાર ગણાવી ન શકો. ત્યારબાદ અદાલતે આ વકીલ-કમ-પત્રકારની અરજી ઉપર બાર કાઉન્સલને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.
મોહમ્મદ કામરન અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. એ સાથે જ તે સ્વતંત્ર પત્રકાર તરીકેની ઓળખ પણ ધરાવે છે. તેણે ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને ભારતીય કુસ્તી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો જેને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધો હતો. મોહમ્મદ કામરને આરોપ મૂક્યો હતો કે ભાજપના તત્કાલીન સાંસદ બ્રિજભૂષણ શરણસિંહે તેને બદનામ કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તથા ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવને સપ્ટેમ્બર 2022માં પત્ર લખ્યો હતો. જોકે, હાઈકોર્ટે મોહમ્મદ કામરનની આ અરજી આ વર્ષે (2024માં) ફગાવી દીધી હતી. તેની સામે તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
આ અપીલમાં કામરને લખ્યું કે પોતે વકીલ અને પત્રકાર બંને છે. અને તેની સામે જ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી કે આ બાબત તો નિયમો વિરુદ્ધની છે. કોઈ વકીલ બીજો કોઈ વ્યવસાય કરી જ ન શકે.
આ પણ વાંચોઃ સંજય ગોરડિયાના નવા “નાટક” સામે ગુજરાત અને મુંબઈનાં મહિલા આગેવાનોમાં તીવ્ર આક્રોશ