કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં ધાડપાડુ ગેંગને પકડવા ગઈ પોલીસ, અથડામણમાં પીએસઆઈની હત્યાનો પ્રયાસ

રાજકોટ શહેરમાં હાર્દસમા વિસ્તાર અમીનમાર્ગ ઉપર મંગળવાર – બુધવારની મધરાત્રે ભાગ્યે જ બનતી ઘટના સામે આવી છે. અહિંની ચિત્રકુટધામ સોસાયટીમાં રહેતા અને અગાઉ ખેતીકામ તેમજ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા અને હાલ નિવૃત્ત પટેલ પ્રૌઢના બંગલામાં ધાડપાડુ આદિવાસી ગેંગ કોઇ ઘટનાને અંજામ આપવાની છે તેવી માહિતી શહેર એસઓજીના સ્ટાફને મળી હતી. જેના પગલે પીએસઆઇ ડી.બી. ખેરના માર્ગદર્શન હેઠળ આખી ટીમ મોડી રાત્રે ધાડપાડુ લૂંટારુ ગેંગને ઝડપી પાડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતુ અને ગણતરીની જ મિનિટોમાં ઘટનાસ્થળે દોડી ગઇ હતી. એસઓજીની ટીમ રાત્રે અઢી વાગ્યે પટેલ પ્રૌઢના બંગલાને શોધી લૂંટારુ ગેંગ તે જ બંગલામાં હોવાનું જાણી તેને કોર્ડન કરી લીધો હતો. ત્યારબાદ પોલીસે ધાડપાડુ ગેંગને ઝડપી પાડવા બંગલા ઉપર આક્રમણ કર્યું હતુ તે દરમ્યાન જ પોલીસ આવ્યાની જાણ થતાં આદિવાસી ગેંગે પોતાના બચાવમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવાનું શરુ કરી દીધુ હતુ. તેના જવાબમાં પોલીસે મોડી રાત્રે લૂંટારુ ગેંગ ઉપર ફાયરિંગ કર્યું હતુ.
ઘટનાસ્થળે બંગલા બહાર લોહીનુ ખાબોચીયુ
ઘટનાસ્થળે બંગલા બહાર લોહીનુ ખાબોચીયુ
પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે સર્જાયેલ અથડામણમાં ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા
આ સમગ્ર ઘટનાનાં પગલે બંગલામાં રહેતા પટેલ પ્રૌઢનો પરિવાર ફાયરિંગ અને દેકારાના અવાજના કારણે જાગી ગયો હતો. આસપાસના લોકો પણ પોતાના ઘરની બહાર નિકળી ગયા હતા. પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે સર્જાયેલ અથડામણ જોઇ કોઇ ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હોય તેવું લાગી રહ્યું હતુ. આ બનાવમાં પોલીસના જવાબી ફાયરિંગમાં એક લૂંટારુ શખસ ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે કે, એક શખસને પગમાં વાગી જતા તે પડી ગયો હતો.
પોલીસ ઉપર હુમલો કરવા પથ્થરો
પોલીસ ઉપર હુમલો કરવા પથ્થરો
પોલીસના ફાયરિંગમાં એકને ઈજા, એક ઝપાઝપીમાં ઘાયલ થયો, બે ભાગી ગયા
આ ઘટનામાં કુલ છ શખસો પૈકી બે શખસોને પોલીસે દબોચી લીધા હતા જ્યારે કે, બે શખસોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કે અન્ય બે વ્યક્તિ ભાગી જતા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં એસઓજી પીએસઆઇ ડી.બી. ખેર લૂંટારુ ગેંગનો સામનો કરતા હોય અને એક શખસને ઝડપી લીધો હોય જેણે પીએસઆઇની ચુંગાલમાંથી છૂટવા માટે તેના ઉપર હુમલો કરતા રિવોલ્વર આંચકી લેવાની કોશિષ કરી હતી. આ ઉપરાંત તેનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, ડી.બી. ખેરની સતર્કતાના કારણે લૂંટારુ ગેંગનો સાગરિત ઝડપાઇ ગયો હતો.
ઇજા પહોંચતા સારવારમાં એસઓજી પીએસઆઇ ડી.બી. ખેર
ઇજા પહોંચતા સારવારમાં એસઓજી પીએસઆઇ ડી.બી. ખેર
એસઓજીએ ચોક્કસ બાતમીથી ઓપરેશન પાર પાડ્યું, ઘટનામાં પીએસઆઇ સહિત ત્રણ ઇજાગ્રસ્ત : પાર્થરાજસિંહ ગોહિલ
શહેરનાં અમીનમાર્ગ ઉપર ગત મોડી રાત્રિના ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે  દોડી ગયો હતો. આ બનાવ અંગે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, એસઓજી પીએસઆઇ ડી.બી. ખેરને આ સમગ્ર બનાવની ચોક્કસ બાતમી મળી હતી જે બાતમીના આધારે સ્ટાફે પીઆઇ જે.ડી. ઝાલાની સૂચનાથી ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસથી બચવા માટે લૂંટારુઓએ હુમલો કર્યો હતો. જેમાં એસઓજી સ્ટાફે જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કર્યું હતુ. વધુમાં ગોહિલે જણાવ્યું હતુ કે, આ ઘટનામાં એસઓજી પીએસઆઇ ડી.બી. ખેરની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પોલીસે લૂંટારુઓ સામે જવાબી ફાયરિંગ કર્યું હોય જેમાં એક લૂંટારુને ગોળી વાગી જતા ઇજા પહોંચી હતી જ્યારે કે, ઝપાઝપી દરમિયાન બીજા લૂંટારુને ઇજા પહોંચતા ડી.બી. ખેર સહિત ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ
ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ
બંગલા માલિકના પરિવારજનોમાં 12 સભ્યો, ઘટના સમયે 7 સભ્યો હતા હાજર
ચિત્રકુટધામ સોસાયટીમાં આવેલ રિદ્ધિ-સિદ્ધિ બંગલોમાં ધાડ પાડવાના ઇરાદે ઘૂસેલી આદિવાસી ગેંગ અંગેની જાણ એસઓજી સ્ટાફને થઇ હતી જેના પગલે પીએસઆઇ ડી.બી. ખેર અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા બાદ ઝડપી પાડવાની કાર્યવાહી કરતા અથડામણ થઇ હતી. આ બનાવ જે બંગલામાં બન્યો હતો તેના માલિક રાજેશભાઇ ઠાકરશીભાઇ પરસાણા (ઉ.વ.62) છે. તેઓ અગાઉ ક્ધસ્ટ્રન્કશન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને હાલ નિવૃત્ત જીવન ગાળે છે. તેઓ તેમના બે ભાઇઓ જયેશભાઇ પરસાણા અને વિજયભાઇ પરસાણા સાથે આ બંગલામાં રહે છે. ઉપરાંત ત્રણેયની પત્ની તથા ત્રણેયના બે-બે સંતાનો મળી કુલ 12 સભ્યો બંગલામાં વસવાટ કરે છે. આ 12 સભ્યો પૈકી રાજેશભાઇ તથા તેમના ભાઇ વિજયભાઇ અને જયેશભાઇ ઉપરાંત તે બન્નેની પત્ની અને બન્નેના બે-બે સંતાનો મળી કુલ સાત સભ્યો ઘરમાં હાજર હતા જ્યારે કે, રાજેશભાઇની પત્ની અને તેની પુત્રી પારિવારિક પ્રસંગ અર્થે અમદાવાદ ગયા હોવાથી હાજર ન હતા. જ્યારે કે, બાકીના ત્રણ સભ્યો પૈકીના બાળકો અભ્યાસ અર્થે બહારગામ વસવાટ કરે છે.
બંગલા માલિક અને પરિવારજનો
બંગલા માલિક અને પરિવારજનો
ધાડ પાડવાની કોશિષ કરતા પહેલાં ટોળકીએ સીસીટીવી ઢાંકી દીધા’તા, ઝડપાય નહીં તે માટે શરીરે ચિકણું પ્રવાહી ચોપડ્યું’તું
અમીનમાર્ગ ઉપર આવેલ ચિત્રકુટ ધામ સોસાયટીના રિદ્ધિ-સિદ્ધિ બંગલોમાં મોડી રાત્રે ધાડ પાડવાના ઇરાદે ઘૂસેલી આદિવાસી ગેંગની જાણ એસઓજીના સ્ટાફને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. જેના ભાગરૂપે ચાર શખસોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આ બનાવ અંગે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, ધાડ પાડવાની કોશિષ કરતા પહેલા ટોળકીના સભ્યોએ બંગલાના સીસીટીવી ઢાંકી દીધા હતા અને ત્યારબાદ બંગલામાં ઘૂસ્યા હતા. આ ઉપરાંત તેઓ ઝડપાય ન જાય તે માટે તેમના શરીર ઉપર તેલ જેવું ચિકણું પ્રવાહી ચોપડી દેતા હતા તેથી જો કોઇ તેઓને પકડી પાડે તો પણ તેઓ આસાનીથી છૂટી શકે.
પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે
પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે
પોલીસે ઝડપી પાડેલ ધાડપાડુ ગેંગના શખસો કોણ ?
શહેરમાં અમીન માર્ગ ઉપર આવેલી ચિત્રકુટધામ સોસાયટીમાં ત્રાટકેલી ધાડપાડુ ગેંગ અંગે એસઓજીને મળેલી બાતમીના આધારે કાર્યવાહીના ભાગરૂપે થયેલી અથડામણમાં છ શખસો પૈકી ચાર આરોપીઓને પોલીસને ઝડપી પાડવામાં સફળતા મળી હતી આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર ઝડપી પાડવામાં આવેલા શખસોનું નામઠામ પૂછતા પીએસઆઇ ડી.બી. ખેરનું ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કરનાર શખસ દિનેશ વીંછિયાભાઇ ગોડિયા (ઉ.વ.32) રહે. કતવારા-અગાવાડા, તા. દાહોદ હોવાનું ઉપરાંત પોલીસના ફાયરિંગમાં ઇજા પામેલ શખસ ચકરાભાઇ મેઘાભાઇ (ઉ.વ.30) રહે. અઘાવાડા ગામ, તા. દાહોદ હોવાનું તથા અન્ય બે શખસોએ પોતાના નામ કલાભાઇ દીતાભાઇ ગોડિયા (ઉ.વ.30) રહે. અઘાવાડા ગામ, તા. દાહોદ અને કાળો ઉર્ફે કરણસિંહ હઠીલા રહે. કુશલપુરા, જિ. જામવા-મધ્યપ્રદેશવાળો હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યારે કે, મધ્યપ્રદેશ-જામવાનો દિલીપ વિરછીયાભાઇ હઠીલા અને દાહોદનો હીમસંગ ભાગી જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Back to top button