રેમો ડિસોઝાએ છેતરપિંડીના આરોપને નકારી કાઢ્યો, પોસ્ટ શેર કરી અફવાનું ખંડન કર્યું
- કોરિયોગ્રાફર, તેમના પત્ની અને અન્ય પાંચ લોકો દ્વારા 11.96 કરોડની છેતરપિંડી કરવાનો દાવો
મુંબઈ, 21 ઓક્ટોબર: બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેમના પત્ની લિઝલ હાલ ચર્ચા છે. અત્યારસુધી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, કોરિયોગ્રાફર, તેમના પત્ની અને અન્ય પાંચ લોકોએ ડાન્સ ગ્રુપ સાથે છેતરપિંડી કરી હતી. આ તમામ સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈની થાણે પોલીસે જણાવ્યું કે, આ ફરિયાદ શનિવારે નોંધાઈ હતી. તમામ પર 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. પરંતુ હવે રેમોએ એક પોસ્ટ દ્વારા આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે, “આમાં કોઈ સત્યતા નથી. બધી અફવાઓ છે.”
View this post on Instagram
રેમોની આ પોસ્ટ વાયરલ થઈ
કોરિયોગ્રાફરે પોસ્ટમાં લખ્યું કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સથી અમને ખબર પડી છે કે અમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમે એક ડાન્સ ગ્રુપ સાથે છેતરપિંડી કરી છે. મને એ કહેતા અફસોસ થાય છે કે અમારા વિશે આવા અહેવાલ પ્રકાશિત થઈ રહ્યા છે. અમે દરેકને વિનંતી કરવા માંગીએ છીએ કે, આમાં કોઈ સત્યતા નથી. તમામ અહેવાલ ખોટા છે અને લોકો અમારા વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે.
રેમો ડિસોઝાએ આગળ લખ્યું કે, “અમે અમારો કેસ સમયસર છોડી રહ્યા છીએ. અમે સત્તાવાળાઓને જે પણ મદદની જરૂર પડશે તે પૂરી પાડીશું. અમે તેમને મદદ કરીશું જેમ અમે અત્યાર સુધી કરતા આવ્યા છીએ. હું મારા પરિવાર, મિત્રો અને ચાહકોને તેમના સમર્થન બદલ આભાર માનું છું. તે લોકો અમારા પર જે રીતે પ્રેમ વરસાવે છે, તે અમારા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, હંમેશા પ્રેમ, લિઝલ અને રેમો.”
શું છે સમગ્ર મામલો?
એક અધિકારીએ જણાવ્યું હતું કે, 26 વર્ષની એક ડાન્સરે રેમો ડિસોઝા, તેમના પત્ની લીઝલ અને અન્ય પાંચ લોકો પર આ આરોપ લગાવ્યો છે. પીડિત ડાન્સરે 16 ઓક્ટોબરે મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રેમો ડિસોઝા અને અન્ય 6 લોકો સામે કલમ 465 (નકલી), 420 (છેતરપિંડી) અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો હેઠળ આ કેસ નોંધ્યો છે. ફરિયાદ મુજબ, ડાન્સર અને તેના ગ્રુપ સાથે 2018થી જુલાઈ 2024 વચ્ચે છેતરપિંડી થઈ હતી. આ ગ્રૂપે ટીવી શોમાં પ્રદર્શન કરીને જીત મેળવી હતી.
ફરિયાદીનું કહેવું છે કે, રેમો અને અન્ય આરોપીઓએ એવું દેખાડ્યું કે તે ગ્રુપ તેમનું છે અને તેમના દ્વારા જીતવામાં આવેલી 11.96 કરોડ રૂપિયાની ઈનામી રકમ હડપ કરી લીધી. આ કેસમાં રેમો ડિસોઝા અને લિઝલ ડિસોઝા ઉપરાંત ઓમપ્રકાશ શંકર ચૌહાણ, રોહિત જાધવ, ફ્રેમ પ્રોડક્શન કંપની, વિનોદ રાઉત, એક પોલીસકર્મી અને રમેશ ગુપ્તા નામના વ્યક્તિનું નામ આરોપી તરીકે છે. પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ જૂઓ: વેક્સીન મેન અદર પૂનાવાલા બનાવશે ફિલ્મો, કરણ જોહરની અડધી કંપની 1000 કરોડમાં ખરીદી