અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વહેલી પરોઢના ભારે વરસાદથી અમદાવાદ પાણી-પાણી, સર્વત્ર ટ્રાફિક જામ

Text To Speech

અમદાવાદ, 21 ઑક્ટોબર, 2024: આજે સોમવારની સવાર અમદાવાદીઓ માટે આશ્ચર્ય લઈને આવી. શહેરમાં અને આસપાસના અનેક વિસ્તારોમાં વહેલી પરોઢથી ભારે વરસાદ તૂટી પડતાં નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. પરિણામે ખાસ કરીને સ્કૂલે જતાં બાળકો માટે મુશ્કેલી સર્જાઈ હતી.

શહેરમાં સોમવારની વહેલી પરોઢથી વીજળીના ભારે કડાકા અને વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં, ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્કૂલે જતાં બાળકો તેમજ વહેલી સવારે ઑફિસે જવા માટે નીકળતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી.

ઠેરઠેર પાણી ભરાઈ જવાને કારણે બધે જ ટ્રાફિક જામનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં. ટ્રાફિક નિયમોની શિસ્તમાં જરાય નહીં માનતા અમદાવાદીઓ જ્યાં જગ્યા મળે ત્યાં ઘૂસી જતા હોવાને કારણે લગભગ તમામ નાના-મોટા ચાર રસ્તે ટ્રાફિક જામ થયો હતો, પરિણામે ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્કૂલે પહોંચવામાં પારાવાર મુશ્કેલી પડી હતી.

જોકે, આઠ વાગતાં વરસાદનું જોર ઘટી જતા સ્થિતિ ધીમેધીમે સામાન્ય બનવાની શરૂઆત થઈ હતી, તેમ છતાં અશિસ્તને કારણે જે ટ્રાફિક જામ થઈ ગયો હતો તે ખૂલતાં ઘણો સમય લાગી ગયો હતો અને સ્કૂલ-કૉલેજ ઉપરાંત ઑફિસે જતા લોકોમાં નિર્ધારિત સમય કરતાં મોડા પહોંચ્યા હતા.

અમદાવાદમાં શનિવારથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અને હજુ એક-બે દિવસ આવી સ્થિતિ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરેલી જ છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, 3 પ્રવાસી મજૂરોની હત્યા

Back to top button