ફૂડવિશેષ

જૂનાગઢ : ડ્રેગન ફ્રુટ ‘કમલમ’ની ખેતીથી વર્ષે લાખો કમાતો એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ યુવક

Text To Speech

જૂનાગઢ જિલ્લામાં આવકનું મુખ્ય સ્ત્રોત ખેતી માનવામાં આવે છે. અહીંના ખેડૂતો પાસે પુષ્કળ પ્રમાણમાં ખેતીની જમીન હોય છે અને તેમનો મુખ્ય વ્યવસાય પણ ખેતી આધારીત જ હોય છે. ત્યારે આ ખેડૂતોની અત્યારની પેઢી પણ તેને અપનાવીને પોતાના પૂર્વજોના વ્યવસાયમાં જ જોડાય છે. પરંતુ તે તેઓના પૂર્વજોની માફક નસીબ આધારિત ખેતી કરવાના બદલે ભણી ગણીને ઉત્પાદક અને સમયની માંગ આધારિત ખેતી કરવા લાગ્યો છે. ખેડૂતો પણ પોતાની ભાવિ પેઢીને આ ક્ષેત્રનો અભ્યાસ કરવા પ્રેરી તેઓને કઈ રીતે ઓછી મહેનતથી કમાવવા ઉપર ધ્યાન આપવું તેનું જ્ઞાન આપે છે. ત્યારે કંઈક આવી જ બાબત વંથલી તાલુકાના શિક્ષિત ખેડૂતમાં જોવા મળી છે. યુવાન ખેડૂતે એગ્રીકલ્ચરનો ઉચ્ચ અભ્યાસ કરી પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રુટ કમલમની ખેતી કરીને લાખો રૂપિયા ઉત્પાદિત કરવાનું શરૂ કર્યું છે.
યુવકે વલસાડ પાસેના પરિયાની બાગાયત પોલીટેકનિક કોલેજમાંથી એગ્રીકલ્ચરમાં ગ્રેજયુએશન કર્યુ
મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં થાણાપીપળી ગામના ૨૧ વર્ષીય દીપ જારસાણિયાએ તેના પિતા અશોકભાઇ જારસાણીયાના સહયોગથી પોતાના ખેતરમાં એક વર્ષ પહેલા ડ્રેગન ફ્રુટ ‘કમલમ’ વાવ્યા હતા. આ શિક્ષિત યુવકે પરંપરાગત ખેતીને જ વ્યવસાય તરીકે અપનાવી હતી સાથો સાથ પોતાના ખેતેરોમાં આધુનિક ખેતીનો પણ પ્રયોગ પણ શરૂ કર્યો છે. દિપભાઇએ વલસાડ પાસેના પરિયાની બાગાયત પોલીટેકનિક કોલેજમાંથી એગ્રીકલ્ચરમાં ગ્રેજયુએશન કર્યુ છે.
પ્રથમ વર્ષથી જ ફળ મળવાનું શરૂ થઈ જાય, એક કિલોના રૂ.200 થી રૂ.250 મળે
એક વર્ષ પહેલા દિપભાઇ અંકલેશ્વરના ખેતરોમાંથી ડ્રેગન ફ્રુટના ૪૫૦ પાંદડાના કટીંગ લઇ આવ્યા હતા. આ કટીંગમાંથી પોલીથીન થેલીઓમાં રોપાઓ તૈયાર કર્યા હતા. એક – દોઢ માસમાં આ રોપાઓ તૈયાર થઇ જતાં તેને પોતાના ખેતરોમાં વાવી દે છે. એક વર્ષ બાદ હવે ડ્રેગન ફ્રુટ ‘કમલમ’ ના વેલા-થાંભલામાંથી ૨૦ થી ૨૫ જેટલા ડ્રેગન ફ્રુટ ‘કમલમ’ ફુલ્યા ફાલ્યા છે. જોકે વધુ ફાલ બે વર્ષ પછી મળે છે. આ ફ્રુટના ઝાડનું સરેરાશ આયુષ્ય ૨૫ વર્ષ જેટલુ હોય છે. આ ડ્રેગન ફ્રુટના ૨૦૦ થી ૨૫૦ રૂ. કિલોએ મળતાં હોવાનું દિપ ભાઇ જણાવે છે.
ડ્રેગન ફ્રૂટ વેંચવાને બદલે તેનો ઉપયોગ ચોકલેટ અને જ્યુસ બનાવવામાં કરાશે
તેઓ કહે છે કે અમે આ ડ્રેગન ફ્રુટ ‘કમલમ’માંથી ચોકલેટ અને જયુસ બનાવીશુ અને પછી તેનું વેંચાણ કરવાનું શરૂ કરશું. મારે એક વર્ષમાં જ ફળો આવવાની શરૂઆત થઇ ચૂકી છે. એક વિધામાં મેં ૯૦ સિમેન્ટના થાંભલા-પોલ વેલા બાંધવા તૈયાર કર્યા છે. પ્લાસ્ટીકના પોલ તડકામાં બળી જાય અને લોખંડના પોલ પાણી-માટીમાં કટાઇ જાય તે માટે સિમેન્ટના પોલ બાંધવાનો ખર્ચો થયો હતો. વેલા ઉપર ચડતા જાય છે. અને એલોવેરા જેવા લાંબા અને ઝાડા અણીદાર પાંદડા હોય છે. તેને ટાયરમાં સપોર્ટથી બાધી દેવામાં આવે છે. છે. ૯૦ પોલમાં કુલ ૩૬૦ રોપા ડ્રેગન ફ્રુટના છે. આ સિમેન્ટ પોલની વચ્ચે બચતી જગ્યામાં કપાસ વાવ્યુ છે. ‘કમલમ’માં વેલામાં સતત પાંદડા ઉગતા જ રહે છે.
દવામાં ઉપયોગી હોવાથી અન્ય ફળો કરતા ભાવ વધુ, કમળ જેવું દેખાતું હોવાથી કમલમ નામ અપાયું
નાયબ બાગાયત નિયામક હેમાંશુ ઉસદળિયાએ કહયુ હતું કે, ડ્રેગન ફ્રુટ ‘કમલમ’ ની મેડીસનલ વેલ્યુ હોવાથી તેના ભાવ અન્ય ફ્રુટની તુલનાએ વધુ મળે છે અને તેથી જ આ ફ્રુટ ‘કમલમ’ને પ્રમોટ કરવા સરકારી સ્તરે સારી એવી સહાય ખેડૂતોને આપવામાં આવે છે. કમળ જેવો આકાર હોવાથી સરકારે ડ્રેગન ફ્રુટનું નામ ‘‘કમલમ’’ આપ્યુ છે.
ડ્રેગન ફ્રુટ ‘કમલમ’ ની ખેતીમાં પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા મળે છે આર્થિક સહાય
મદદનીશ બાગાયત નિયામક વિશાલ હદવાણીએ જણાવ્યુ હતું કે રાજય સરકાર દ્વારા પ્રતિ હેકટર દીઠ રૂ. ૩ લાખની ડ્રેગન ફ્રુટની ખેતી કરનારને મળે છે જેમાં પ્રથમ વર્ષે રૂ. ૨૪૪૪૨૦ અને બીજા વર્ષે રૂ.૫૫૫૮૦ ની સહાય કરવામાં આવે છે. ખર્ચ સામે અઢી લાખ જેટલી સહાય આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં હાલમાં આની ખેતી નવી છે. આઠેક હેકટરમાં ડ્રેગન ફ્રુટની ખેતી- વાવેતર થઇ રહયુ છે. કોરોના કાળમાં આ ફ્રુટની ડિમાન્ડ બહુ રહેતી હતી. હજુ પણ લોકોને આ ફળ પંસદ આવી રહયુ છે. તેના ભાવ પણ સારા મળતા હોય છે. છુટક એક ફ્રુટના જ ભાવ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા હોય છે. આ ઉપરાંત દિપભાઇએ તેમના ૩ મિત્રો સાથે મળીને મધ ઉછેર કેન્દ્ર પણ શરૂ કર્યુ છે. ૧૪૦ ઇઝરાયેલી મધપુડાની પેડીથી તેઓ મધ એકત્રિત કરી તેમાંથી અન્ય કેટલીક પ્રોડકટ પણ બનાવે છે.

Back to top button