RSSના કાર્યકરો ઉપર ચાકુથી હુમલો કરનાર નસીબ ચૌધરીના ગેરકાયદે મકાન ઉપર ફર્યું બુલડોઝર
જયપુર, 20 ઑક્ટોબર, 2024: રાજસ્થાનમાં RSSની એક સભામાં સંઘના કાર્યકરો ઉપર ચાકુ અને લાકડીઓથી હુમલો કરનાર નસીબ ચૌધરીના ગેરકાયદે મકાન ઉપર રાજસ્થાનની ભજનલાલ સરકારે બુલડોઝર ચલાવી દીધું છે. જયપુરમાં થોડા દિવસ પહેલાં સંઘનો ખીર વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે નસીબ ચૌધરીએ ચાકુ વડે હુમલો કરતાં સંઘના ઓછામાં ઓછા 10 કાર્યકરો ઘવાયા હતા.
જયપુરમાં મંદિરની નજીક સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરીને મકાન બાંધી દેનાર નસીબ ચૌધરીને જયપુર ડેવલપમેન્ટ ઑથોરિટી (JDA) દ્વારા શનિવારે ગેરકાયદે કબજાની નોટિસ આપી હતી. આ નોટિસનો જવાબ આવ્યા પછી JDAના અધિકારીઓએ આજે રવિવારે સવારે જ નસીબના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝરની કાર્યવાહી કરી હતી.
અહેવાલ મુજબ, ગુરુવારે જયપુરના કરણી વિહારમાં આવેલા મંદિરમાં આરએસએસનો જાગરણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એ દરમિયાન નસીબ ચૌધરીએ એ કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો હતો. સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, જે સમયે શ્રદ્ધાળુઓને ખીરનો પ્રસાદ આપવામાં આવી રહ્યો હતો ત્યારે બે ઈસમો ત્યાં પહોંચ્યા હતા. બંનેએ હિન્દુ શ્રદ્ધાળુઓ સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ અન્ય ટોળાને બોલાવી લીધું હતું. એ હિંસક ટોળાએ RSSના કાર્યકરો ઉપર ચાકુ અને લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો જેમાં 10 સ્વયંસેવક ઘવાયા હતા.
આ પણ વાંચોઃ જયપુરમાં RSSની સભામાં અજાણ્યા લોકોએ કર્યો હુમલો, 8 સ્વયંસેવક ઘાયલ