ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, રેશનિંગનું અનાજ બારોબાર વેચી માર્યું

  • કૌભાંડમાં સસ્તા અનાજની દુકાનના વેપારીઓની સંડોવણી
  • સીઆઇડી ક્રાઇમે જેતલપુર પાસે ગોડાઉનમાં દરોડો પાડ્યો
  • તુવેર દાળના રૂપિયા 9.25 લાખની કિંમતના 125 કટ્ટા મળી આવ્યા હતા

અમદાવાદમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં રેશનિંગનું અનાજ બારોબાર વેચી માર્યું છે. શહેરના બાપુનગરમાં રહેતા બે ભાઇઓ સરકારી જથ્થાના સસ્તા અનાજના વેપારીઓ પાસેથી બારોબાર અનાજ અને કઠોળનો જથ્થો ખરીદીને ખોટા ઇનવોઇસ બિલના આધારે સગેવગે કરતા હોવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

કૌભાંડમાં સસ્તા અનાજની દુકાનના વેપારીઓની સંડોવણી

સીઆઇડી ક્રાઇમે જેતલપુર પાસે ગોડાઉનમાં દરોડો પાડીને ઘંઉ, ચોખા, તુવેર દાળ અને બાજરાનો રૂપિયા 38 લાખનો જથ્થા સાથે કુલ 44 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે સગાભાઇઓ સહિત ચાર લોકો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. આ કૌભાંડમાં સસ્તા અનાજની દુકાનના વેપારીઓની સંડોવણી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સરકારી જથ્થાના અનાજના બનાવટી બિલ બનાવીને બારોબાર સપ્લાય કરતા

સરકારી જથ્થાના અનાજના બનાવટી બિલ બનાવીને બારોબાર સપ્લાય કરતા હતા. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને બાતમી મળી હતી કે બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા સુશીલ ગોયેલ સૌરભ ટ્રેડર્સના નામે અમદાવાદમાં આવેલી સસ્તા અનાજની દુકાનોના વિક્રેતાઓ પાસેથી ખોટા બિલ બનાવીને લાભાર્થીઓના હકનો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરીને મોટા પ્રમાણમાં વેચાણ કરે છે. જે બાતમીને આધારે પોલીસે અમદાવાદ-ખેડા હાઇવે પર જેતલપુર સ્થિત વી વી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડ્યો હતો. જેમાં એક પીકઅપ ગાડીના ડ્રાઇવર ગોપાલ ગોયેલે જણાવ્યું હતું કે તેનો ભાઇ સુશીલ ગોયેલ તેની સાથે મળીને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ અને કઠોળ લાવીને વેચાણ કરે છે.

તુવેર દાળના રૂપિયા 9.25 લાખની કિંમતના 125 કટ્ટા મળી આવ્યા હતા

આ જથ્થો વી વી એગ્રો આપવાનો હતો. પોલીસે વી વી એગ્રોના વસંતભાઇ પ્રજાપતિ (રહે. મંગલમૂર્તિ સોસાયટી, ઘોડાસર)ની પુછપરછ કરીને તેના ગોડાઉનમાં તપાસ કરતા બાજરીના રૂપિયા 2.45 લાખની કિંમતના 182 કટ્ટા, ચોખાના રૂપિયા 13.38 લાખની કિંમતના 1953 કટ્ટા, ઘંઉના રૂપિયા 12.40 લાખની કિંમતના 919 કટ્ટા અને તુવેર દાળના રૂપિયા 9.25 લાખની કિંમતના 125 કટ્ટા મળી આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત

Back to top button