હેલ્થ કોન્શ્યિસ છો? તો આ સ્ટ્રીટ ફૂડ ન ખાશો, સૌથી અનહેલ્ધી ઓપ્શન
- દરેક વ્યક્તિ આ સ્ટ્રીટ ફૂડની દિવાની હોય છે, પરંતુ કેટલાક સ્ટ્રીટ ફૂડ એવા છે જેને ખાવાનું તો અવોઈડ કરવું જ ઉત્તમ છે. જાણો અનહેલ્ધી સ્ટ્રીટ ફૂડ વિશે
HD ન્યુઝ ડેસ્કઃ લોકલ માર્કેટમાં વેચાતા સ્ટ્રીટ ફૂડનું નામ સાંભળીને જ બાળકોથી લઈને વડીલો સુધી દરેકના મોંમા પાણી આવી જાય છે. એવું કોઈ નહીં હોય જેણે આસપાસમાં મળતા સ્ટ્રીટ ફુડ ટેસ્ટ નહીં કર્યા હોય. પછી તે ચટપટી ચાટ હોય કે પાણીપુરી હોય, મોમોઝ હોય કે હોટ બર્ગર હોય. દરેક વ્યક્તિ આ સ્ટ્રીટ ફૂડની દિવાની હોય છે. આ બધા ફૂડ ખાવામાં જેટલા ટેસ્ટી છે, હેલ્થ માટે એટલા જ ખરાબ છે. કેટલાક સ્ટ્રીટ ફૂડ એવા છે જેને ખાવાનું તો અવોઈડ કરવું જ ઉત્તમ છે. જાણો અનહેલ્ધી સ્ટ્રીટ ફૂડ વિશે.
મોમોઝ
આજે મોમોઝ લગભગ દરેકનું મનપસંદ સ્ટ્રીટ ફૂડ છે. તેની સાથે મસાલેદાર ચટણીનું કોમ્બિનેશન લગભગ દરેક વયજૂથના લોકોને પસંદ પડે છે. ખાસ કરીને બાળકો ખૂબ જ ઉત્સાહથી મોમોઝ ખાય છે, પરંતુ તેને બનાવવા માટે મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું વધુ પડતું સેવન પેટ માટે હાનિકારક છે. આ સિવાય મોમોનો સ્વાદ વધારવા માટે મોનોસોડિયમ ગ્લુટામેટ નામનું કેમિકલ ઉમેરવામાં આવે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધવાની સાથે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.
પાણીપુરી
લગભગ બધાને પાણીપુરી ખાવી ગમે છે. પાણી-પુરી દેશના જુદા જુદા ભાગોમાં અલગ-અલગ નામે ઓળખાય છે, પરંતુ તેનો સ્વાદિષ્ટ અને ચટપટો સ્વાદ દરેકને આકર્ષે છે.આ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ સૌથી વધુ હાનિકારક છે. તેનું વધુ પડતું સેવન હેલ્થ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વધુ પડતી પાણીપુરીનું સેવન કરવાથી હાઈપરએસીડીટી, ડીહાઈડ્રેશન તેમજ પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
ચાઉમીન
આજકાલ ચાઉમીન પણ સ્ટ્રીટ ફૂડની કેટેગરીમાં સામેલ થઈ ગયું છે. લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. બાળકો ચાઉમીનના દિવાના છે, પરંતુ દરરોજ ચાઉમીન ખાવું હેલ્થ માટે ખૂબ જ ખરાબ છે. લોટમાંથી બનેલા ચાઉમીનનું વધુ પડતું સેવન આંતરડાને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, ચાઉમીનનો સ્વાદ વધારવા માટે તેમાં આજીનોમોટો અને મોનો સોડિયમ ગ્લુટામેટ ઉમેરવામાં આવે છે, જે પેટની સાથે સાથે હૃદય માટે પણ ખૂબ જ નુકસાનકારક છે.
ફ્રેન્ચ ફ્રાઈસ
ફ્રેન્ચ ફ્રાઈસ આજના બાળકોનું પ્રિય સ્ટ્રીટ ફૂડ છે. બાળકો વારંવાર તેને ખાવાની માંગ કરે છે, પરંતુ આ સ્ટ્રીટ ફૂડ પણ એકદમ અનહેલ્ધી ફૂડ છે. ફ્રેન્ચ ફ્રાઈસમાં જોવા મળતા ટ્રાન્સ ફેટ અને હાઈડ્રોજનયુક્ત તેલ અલ્ઝાઈમરનું જોખમ વધારે છે. આ સિવાય તેને પચવામાં પણ સમસ્યા થાય છે. ફ્રેંચ ફ્રાઈસના વધુ પડતા સેવનથી હૃદય સંબંધિત બીમારીઓ, બ્લડપ્રેશર, કેન્સર અને કિડની સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે. તેથી તેના વધુ પડતા સેવનથી બચવું જોઈએ.
આલૂ ચાટ
આજકાલ આલૂ ચાટ ખૂબ જ ચાલે છે. ઠેરઠેર જોવા મળે છે. આ સ્ટ્રીટ ફૂડની સૌથી જૂની વાનગીઓમાંની એક છે. આજે પણ આલૂ ચાટની સૌથી વધુ માંગ રહે છે, પરંતુ આ મસાલેદાર વાનગી આરોગ્યની દૃષ્ટિએ તદ્દન હાનિકારક છે. આલૂ ચાટ બનાવવા માટે બાફેલા બટેટાની ટિક્કી અને બાફેલા ચણાનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ઘણીવાર વાસી બટેટા અથવા ચણાનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તેને ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. આ ઉપરાંત, ગંદા ગુણવત્તાવાળા તેલના વારંવાર ઉપયોગને કારણે, તે સૌથી ખરાબ ખોરાક બની જાય છે.
આ હોઈ શકે છે થોડાક હેલ્ધી વિકલ્પ
જો કે, એવું નથી કે તમામ સ્ટ્રીટ ફૂડ હેલ્થની દૃષ્ટિએ હાનિકારક છે. કેટલાક સ્ટ્રીટ ફૂડ એવા છે જે તમારા સ્વાદની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખે છે. શક્કરિયા ચાટ, ભેલપુરી, શેકેલી મકાઈ, મગની દાળના ચીલા, પરાઠા વગેરે આવા જ કેટલાક હેલ્ધી સ્ટ્રીટ ફૂડ વિકલ્પો છે જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે.
આ પણ વાંચોઃ જો ઘરે જ મીઠાઈ બનાવતા હોય તો તેને પરફેક્ટ બનાવવામાં મદદ કરશે આ ટિપ્સ