FBIના વોન્ટેડ વિકાસ યાદવની 10 મહિના પહેલા દિલ્હી પોલીસે કરી હતી ધરપકડ, જાણો વિગતે
- આ કેસમાં પોલીસે માર્ચમાં ચાર્જશીટ દાખલ કરી અને એપ્રિલમાં વિકાસ યાદવને જામીન પણ મળી ગયા હતા
નવી દિલ્હી, 19 ઓક્ટોબર: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ FBI દ્વારા વોન્ટેડ જાહેર કરાયેલા વિકાસ યાદવની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા દસ મહિના પહેલા હત્યાના પ્રયાસ અને અપહરણના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2023માં નોંધાયેલા કેસમાં વિકાસની સાથે અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે માર્ચમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને એપ્રિલ 2024માં વિકાસ યાદવને જામીન પણ મળી ગયા હતા.
વેપારીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી
રોહિણીના રહેવાસી એક વેપારીએ ડિસેમ્બર 2023માં પોલીસમાં ફરિયાદ કરી હતી કે, તેના પરિચિતે નવેમ્બર 2023માં એક મહિના અગાઉ વિકાસ યાદવનો તેની સાથે પરિચય કરાવ્યો હતો અને કહ્યું હતું કે, તે એક વરિષ્ઠ સરકારી અધિકારી છે. વેપારીનું કામ ઇન્ફર્મેશન ટેક્નોલોજી સાથે સંબંધિત છે, તેથી તેના ઘણા સંપર્કો પશ્ચિમ એશિયામાં છે. વેપારીએ પોલીસને જણાવ્યું કે, બંનેએ એકબીજા સાથે નંબર શેર કર્યા હતા.
બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ. વેપારીની ફરિયાદ મુજબ, વિકાસ વારંવાર તેના કામ અને મિત્રો વિશે પૂછતો હતો. તેના કહેવા મુજબ વિકાસે તેને એમ પણ કહ્યું હતું કે, તે અંડરકવર એજન્ટ તરીકે કામ કરે છે. પરંતુ કામ અને ઓફિસની માહિતી ક્યારેય શેર કરવામાં આવી ન હતી. વેપારીએ પોલીસને આપેલી ફરિયાદ મુજબ, 11 ડિસેમ્બરે વિકાસે તેને ફોન કર્યો અને કોઈ મુદ્દા પર ચર્ચા કરવા અને લોધી રોડ પર આવવા કહ્યું. જ્યારે તે લોધી રોડ પર પહોંચ્યો ત્યારે વિકાસની સાથે ત્યાં એક અન્ય વ્યક્તિ પણ હતો, જેના પછી તેઓ બળજબરીથી વેપારીનું અપહરણ કરીને તેને ડિફેન્સ કોલોનીના ફ્લેટમાં લઈ ગયા અને ત્યાં વિકાસે તેને કહ્યું કે, લોરેન્સ બિશ્નોઈએ તેને ખતમ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
આ પછી વિકાસના સાગરિતે વેપારીને માથામાં માર મારી સોનાની ચેઈન અને વીંટી લઈ લીધી, પછી વેપારી સાથે એક કાફેમાં જઈને જે કંઈ પણ રોકડ હતી તે લઈને વિકાસ અને તેના સાગરિતોએ વેપારીને રસ્તાના કિનારે છોડી દીધા તે જ સમયે તેઓએ ધમકી આપી કે, જો હું કોઈને ફરિયાદ કરીશ તો ઠીક રહેશે નહીં. આ પછી, વેપારીએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી, દિલ્હી પોલીસે આ મામલામાં હત્યાનો પ્રયાસ, અપરાધિક કાવતરું અને અપહરણની કલમો હેઠળ FIR નોંધી હતી, જે મુજબ 18 ડિસેમ્બરે વિકાસ અને તેના સાથીની ધરપકડ કરી હતી.
વિકાસના સાથીએ પોલિસને શું કહ્યું હતું?
પૂછપરછ દરમિયાન વિકાસના સાથીએ જણાવ્યું હતું કે, તેનો યુઝ્ડ કારનો બિઝનેસ છે જેમાં તેને નુકસાન થયું હતું જેના કારણે તે વિકાસ સાથે મળીને ષડયંત્રમાં સામેલ થયો. વિકાસે તેને કહ્યું હતું કે, તેના પિતા BSFમાં હતા, તેમનું મૃત્યુ 2007માં થયું હતું. વિકાસે હાલમાં કહ્યું કે, જે દિવસે તે વેપારીને મળ્યો હતો, તે દિવસથી તેણે વેપારી પાસેથી પૈસા કમાવવાનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. દિલ્હી પોલીસે માર્ચ મહિનામાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને વિકાસને એપ્રિલમાં જામીન પણ મળી ગયા હતા. જોકે વિકાસને 22 માર્ચે વચગાળાના જામીન જ મળ્યા હતા, પરંતુ એપ્રિલમાં તેને નિયમિત જામીન મળી ગયા હતા.
આ પણ જૂઓ: ‘ભારત માટે પન્નુ મોસ્ટ વોન્ટેડ, અમેરિકા માટે વિકાસ યાદવ’ આતંકવાદ પર USનું બેવડું વલણ?