બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ બાદ ઝરમર વરસાદ સાથે વચ્ચે વચ્ચે ઉઘાડ નીકળતા રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. હવે લોકોમાં તાવ, શરદી, માથું દુઃખવાની ફરિયાદો વધી ગઈ છે. જેમાં પાલનપુર શહેરમાં છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના 5 જેટલા કેસ પોઝીટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.જેના પગલે આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે.
રોગચાળામાં વધારો
ૠતુ બદલાતા બનાસકાંઠામાં વાયરલ ફીવરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેની સારવાર માટે દર્દીઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. જેમાંથી પાલનપુરના 4 અને જસપુરીયાના 1 વ્યક્તિનો ડેન્ગ્યુ રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.આ અંગે આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાલનપુર શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં ડેન્ગ્યુના 5 કેસ જોવા મળ્યા છે.જેમાં 1 સબજેલના કેદીનો છે. એક ચાર વર્ષના બાળકનો છે.તેમજ 1 કેસ કમાલપુરા અને 1 કેસ ઢુંઢીયાવાડી વિસ્તારનો છે. જ્યારે 1 કેસ પાલનપુર તાલુકાના જસપુરીયા ગામનો ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો છે. જેથી તમામ દર્દીઓ પાસેથી તેમની માહીતી મેળવી તે વિસ્તારમાં જઇ પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડેન્ગ્યુંના લક્ષણો
કોઇપણ વ્યક્તિને ડેન્ગ્યૂ થયો હોય તો તાવ આવવો, માથુ દુ:ખવુ, શરીર પર લાલ ચકામા જેવુ નજરે પડે શરીરમાં અશક્તિ આવવી સહિતના લક્ષણો જોવા મળે છે. જ્યારે પાલનપુરમાં ડેન્ગ્યુ પોઝીટીવ દર્દીઓને સમયસર સારવાર મળી રહેતા અત્યારે તમામ દર્દીઓની હાલત સુધારા પર હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોએ ઉમેર્યું હતુ.