રાજકોટ: બહારની ચીજ વસ્તુઓ ખાતા પહેલા આ સમાચાર ખાસ વાંચો
- કોલ્ડ સ્ટોરેજમાં મેંગો પલ્પ 850 કિલો, સીતાફળ પલ્પ 250 કિલો, લેબલ વગરનો જથ્થો મળ્યો
- મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 1150 કિલો ફ્રૂટ પલ્પના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો
- ખાદ્યચીજો પર કાયદા મુજબ લેબલ લગાવવા અને તેના પર વિગતો દર્શાવવા નોટિસ આપી
રાજકોટ શહેરમાં બહારની ચીજ વસ્તુઓ ખાતા પહેલા આ સમાચાર ખાસ વાંચો જેમાં રાજકોટમાં 1150 કિલો અખાદ્ય ફ્રુટ પલ્પનો જથ્થો મળ્યો છે. આ પ્રકારના અખાદ્ય ફ્રુટ પલ્પ દ્વારા લોકોના સ્વાસ્થ્યને મોટો ખતરો ઊભો થાય છે.
કોલ્ડ સ્ટોરેજમાં મેંગો પલ્પ 850 કિલો, સીતાફળ પલ્પ 250 કિલો, લેબલ વગરનો જથ્થો મળ્યો
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરના પેડક રોડ પર આવેલા રવિરાજ રેફ્રીજરેશન પેઢીના કોલ્ડ સ્ટોરેજ પર તપાસ હાથ ધરી હતી. જેમાં 1150 કિલો અખાદ્ય ફ્રુટ પલ્પનો જથ્થો મળી આવતા ફૂડ વિભાગે કરી કાર્યવાહી છે. ફૂડ વિભાગ દ્વારા રવિરાજ રેફ્રિજરેશનના કોલ્ડ રૂમની તપાસ કરતાં અનહાઈજીનીક અને લેબલ વગરનો અખાદ્ય ફ્રુટ પલ્પનો જથ્થો મળી આવ્યો હતો. આ કોલ્ડ સ્ટોરેજમાં મેંગો પલ્પ 850 કિલો, સીતાફળ પલ્પ 250 કિલો, લેબલ વગરનો જથ્થો કોઈપણ જાતની ચોખ્ખાઈ વગર રાખવામાં આવ્યો હતો.
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 1150 કિલો ફ્રૂટ પલ્પના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 1150 કિલો ફ્રૂટ પલ્પના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 3,30,000 રૂપિયા હતી. આ ઉપરાંત પેઢીને યોગ્ય રીતે સ્ટોરેજ કરવા તથા સ્થળ પર ચોખ્ખાઈ જાળવવા, ખાદ્યચીજો પર કાયદા મુજબ લેબલ લગાવવા અને તેના પર વિગતો દર્શાવવા નોટિસ આપી હતી. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ દ્વારા રાજકોટમાં અલગ-અલગ ફૂડ કેટેગરીના ફૂડ બિઝનેસ ઓપરેટરોની પેઢીમાં સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 32 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા છે.