વિજાપુરઃ વીજ કરંટથી વિદ્યાર્થીનું મૃત્યુ, સેન્ટ જોસેફ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત પાંચની ધરપકડ
વિજાપુર, 18 ઑક્ટોબર, 2024: વિજાપુરની એક શાળામાં વીજ કરંટ લાગવાથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થવાને પગલે પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત પાંચ જણની ધરપકડ કરી છે
પ્રાપ્ત અહેવાલ મુજબ, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુસા ગામે સેન્ટ જોસેફ સ્કૂલમાં આ બનાવ બન્યો હતો. બુધવારે શાળામાં નવરાત્રીની ઉજવણી માટે તૈયારીઓ કરવામાં આવી હતી. એ સમયે સુશોભન માટે વિદ્યાર્થીઓએ લોખંડની સીડી ઉપર ચડવાનો પ્રયાસ કર્યો તે સાથે જ તેમને શોક લાગ્યો હતો. આ સીડી ઉપર લટકી રહેલા ખુલ્લા વીજતારને અડેલી હતી જેની વિદ્યાર્થીઓને જાણ નહોતી. શોક લાગતાં નવમા ધોરણના વિદ્યાર્થી આર્યરાજ ઉપેન્દ્રસિંહ સિસોદિયાનું સ્થળ પર મૃત્યુ થયું હતું, જ્યારે તેની પાછળ પાછળ સીડી ચડવા પ્રયાસ કરી રહેલા અન્ય ત્રણ વિદ્યાર્થીઓ શોક લાગવાથી ઘાયલ થયા હતા.
આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું કે, કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને સુશોભન કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. જોકે કેટલીક ટેકનિકલ કામગીરી એ માટેના નિષ્ણાતોને સોંપવાને બદલે આ વિદ્યાર્થીઓને સોંપાઈ હતી જેને પગલે તેઓ દુર્ઘટનાનો ભોગ બન્યા. વળી પોલીસ તપાસમં એવું પણ બહાર આવ્યું કે, શાળા પાસે મોટું મેદાન હોવા છતાં છેક વીજ લાઈનની નજીક મંડપ બાંધવામાં આવી રહ્યો હતો.
પોલીસે આ કેસમાં પાંચ આરોપી- સ્કૂલના પ્રિન્સિપાલ જૉય પીટર પુમ્બ્રા ઉપરાંત રાકેશ વાઘેલા, હસરત બલોચ, કૌશાલ પટેલ અને રઝાક સૈયદની ધરપકડ કરી છે. અદાલત દ્વારા પ્રિન્સિપાલ તેમજ એક અન્ય સ્ટાફ મેમ્બર કૌશલ પટેલને સોમવાર સાંજ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યારે બાકીના ત્રણ સભ્યોને સબ-જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ જામનગરમાં રોટરી કલબ ઓફ છોટીકાશી સંસ્થા દ્વારા શરદોત્સવની ઉજવણી