ગુજરાતમાં ફરી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, વિધર્મીએ હિન્દુ નામની આઈડી બનાવી યુવતીને ફસાવી
- યુવતી સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા
- બીભત્સ ફોટા વાયરલ કરીને સગાઈ તોડાવી નાખી હતી
- પોલીસે સમગ્ર ઘટનાક્રમના આધારે ફરિયાદ દાખલ કરી છે
ગુજરાતમાં ફરી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મીએ હિન્દુ નામની આઈડી બનાવી યુવતીને ફસાવી હતી. તેમાં કચ્છના માંડવીના ગોધરા ગામે લવ જેહાદનો કેસ નોંધાયો છે. જેમાં પૂણેના મુસ્લિમ યુવકે હિન્દુ નામની આઈડી બનાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.
યુવતી સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા
યુવતી સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બીભત્સ ફોટા વાયરલ કરીને સગાઈ તોડાવી નાખી હતી. ત્યારે હવે આ મામલે આરોપી સામે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ લગ્ન કરવા કરેલાં આગ્રહના પગલે યુવકે પોતે મુસ્લિમ હોવાનું વાત જણાવી યુવતીને ધર્મ પરિવર્તન કરાવી લેવા દબાણ કર્યું હતું. જેમાં યુવતીએ તેની સાથેના સંબંધનો અંત આણી દીધો હતો.
કંટાળીને યુવતીનો પરિવાર બે વર્ષ અગાઉ વતનમાં રહેવા આવી ગયો હતો
યુવતીએ સંબંધ કાપી નાખ્યા બાદ પણ જીયાદે તેની સાથે મનમેળ કરવા સતત પ્રયાસ કર્યો હતો. તેનાથી કંટાળીને યુવતીનો પરિવાર બે વર્ષ અગાઉ વતનમાં રહેવા આવી ગયો હતો. અહીં આવીને યુવતીની સમાજના એક યુવક સાથે સગાઈ કરી હતી. સગાઈ બાદ યુવતીએ જીયાદનો નંબર બ્લોક કરી દેતાં જીયાદ ઉશ્કેરાયો હતો અને તેણે યુવતીના ભાઈના નામની ફેક આઈડી બનાવીને અભદ્ર ફોટોગ્રાફ મોકલી ઈન્સ્ટાગ્રામ પર પણ વાયરલ કર્યાં હતાં. આ વાયરલ ફોટો અંગે જાણ થતાં યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. જીયાદથી કંટાળીને યુવતી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ભુજમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાક્રમના આધારે ફરિયાદ દાખલ કરી છે.