ગુજરાત: બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
- વાવ બેઠક પર માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખરાખરીનો જંગ નથી
- પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર કરશે
- ડૉ. રમેશ પટેલને AAP વાવ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બનાવે તેવી ચર્ચા
ગુજરાતમાં આગામી મહિને 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની તૈયારી શરૂ કરી દીધી છે.
વાવ બેઠક પર માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખરાખરીનો જંગ નથી
જેમાં આ વખતે વાવ બેઠક પર માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખરાખરીનો જંગ નથી, પરંતુ આમ આદમી પાર્ટી પણ આ બેઠક પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે. જેને લઈને હવે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું ગઠબંધન તૂટશે અને વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે તેવી શક્યતાઓ છે. બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ થવાની પૂર્ણ શક્યતા છે. કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અહીં પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે.
ડૉ. રમેશ પટેલને AAP વાવ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બનાવે તેવી ચર્ચા
વાવ બેઠક પર દર વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ હોય છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ઉમેદવાર ઉતારશે. ડૉ. રમેશ પટેલને AAP વાવ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બનાવે તેવી ચર્ચા છે. આપના પ્રદેશ નેતાએ કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈને મહત્ત્વપૂર્ણ વાત કરી છે. આપ નેતાએ જણાવ્યું છે કે, ‘લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે અમારું સંપૂર્ણ સમર્થન હતું. પરંતુ લોકસભા ચૂંટણી એ અલગ મુદ્દો અને કારણ હતું. તે સમયે ભાજપ અને નરેન્દ્ર મોદી સામે એક થઈને લડવાની જરૂર હતી. દેશનો સવાલ હતો, લોકશાહી અને બંધારણ બચાવવાનો સવાલ હતો એટલે ચોક્કસપણે અમે કોંગ્રેસ સાથે હતા. જોકે, હવે રાજ્યની વાત આવતી હોય ત્યારે દરેક પાર્ટીની પોતાની રણનીતિ હોય છે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે. આ પેટાચૂંટણીમાં ગઠબંધનની વાત નથી. અમે એકલા હાથે વાવ વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર છીએ.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો યુટર્ન, જાણો ક્યા છે વરસાદની આગાહી