ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ભાજપ નેતાના પુત્ર સહિત પાંચ ઉપર સગીરાનો ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ

વડોદરા, 16 ઑક્ટોબર, 2024: વડોદરા ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત પાંચ જણા વિરુદ્ધ સગીરાના એક ન્યૂડ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે. અહેવાલ અનુસાર આ પાંચેય મિત્રોએ જે તે સમયે સગીરાનો ન્યૂડ વીડિયો એકબીજા સાથે શેર કર્યો હતો એટલું જ નહીં પરંતુ જો તે વિરોધ કરે તો એ વીડિયો વાયરલ કરી દેવાની પણ ધમકી આપી હોવાનું કહેવાય છે.

જાણવા મળે છે કે, આ નબીરાઓએ યુવતીને તે સગીર હતી તે સમયે ઉતારવામાં આવેલો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ કેસમાં ભાજપના જ એક કોર્પોરેટરના પુત્ર સામે યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપ્યાના ગંભીર આરોપ સાથે ફરિયાદ દાખલ થઈ હોવાનું જાણવા મળે છે.

ફરિયાદને પગલે જાણવા મળતી વિગતો અનુસાર વડોદરા શહેરના તરસાલી વિસ્તારની યુવતીના કેટલાક અશ્લીલ વીડિયો પાંચેક મિત્રોએ એકબીજા સાથે શેર કર્યા હતા. અને ત્યારબાદ સમય જતાં યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જેથી નબીરાઓથી કંટાળેલી યુવતીએ ગત તારીખ 14મીએ ભાજપ કોર્પોરેટરના પુત્ર દર્શન પટેલ સહિત અન્ય ત્રણ યુવકો સામે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આવા બ્લેકમેઈલનો ભોગ બનનાર યુવતીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘‘વર્ષ 2021થી માંડી વર્ષ 2023 દરમિયાન પોતે સગીરા હતી ત્યારે મિત્રો તરીકે  આ લોકો સાથે પોતે પાવાગઢ પાસે ફરવા ગઈ હતી જ્યાં કોર્પોરેટરના પુત્ર સહિત તેના મિત્રોએ શારીરિક અડપલાં કરી કેટલાક વીડિયો ઉતારી લીધા હતા અને બાદમાં એક ગ્રુપ બનાવી આ વીડિયો એકબીજા સાથે શેર કર્યા હતા. નબીરાઓએ જે તે વખતના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતા કંટાળેલી યુવતીએ આપઘાત કરી લેવાની તૈયારી કરી લીધી હતી અને ત્રણ પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી.

કહેવાય છે કે, યુવતી કોઈ પગલું ભરે એ પહેલા આ નોટ પરિવારના હાથે લાગી જતાં તેને આપઘાત કરતા રોકી લીધી હતી. પરિવારે યુવતીને હિંમત આપતા સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો પરંતુ પોલીસે રાજકીય દબાણને વશ થઈ કોઈ જ કાર્યવાહી ન કરતા આખરે પરિવારે હિન્દુ સંગઠન પાસે મદદ માગી હતી. હિન્દુ સંગઠને પોલીસ સામે બાંયો ચઢાવતા આખરે મકરપુરા પોલીસે ઝૂકવું પડ્યું અને યુવતીને પરેશાન કરતા પાંચ યુવકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વડોદરા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કરતાં પાંચ પૈકી બે વિદેશ જતા રહ્યા હોવાનું જાણવા મળે છે, જેમાં ભાજપ કોર્પોરેટરના પુત્રનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર અગાઉ યુવતીની માતાએ વીડિયો વાઇરલ કરવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં દુષ્કર્મ આચર્યાની રજૂઆત કરી હતી. આમ પરિવારનાં નિવેદનોમાં તફાવત આવતાં ભોગ બનનાર યુવતીનું કોર્ટ સમક્ષ નિવેદન લેવા નિર્ણય કરાયો છે. આ નિવેદન લેવાની પ્રક્રિયા બાદ જૂની ફરિયાદ પર તપાસ કરવી કે પછી નવી ફરિયાદ દાખલ કરવી તે અંગે નિર્ણય કરાશે.

આ પણ વાંચોઃ વિશ્વનું સૌથી ઊંચું મ્યુઝિયમ: ગુજરાતનાં લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

Back to top button