કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિ.રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
- ખરાબ હવામાનના લીધે ઉત્તરાખંડમાં ઉતારવામાં આવ્યું
નવી દિલ્હી, 16 ઓક્ટોબર : કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઉત્તરાખંડના મુન્સિયારીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર મુનસિયારીના રાલમ ખાતે લેન્ડ કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરનું હેલિકોપ્ટર મિલામ તરફ જઈ રહ્યું હતું. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદંડે પણ હાજર હતા.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા એટલે કે 15 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનરે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે EVM સંબંધિત સવાલોના જવાબ પણ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ હરિયાણાની ચૂંટણીમાં ઈવીએમ અંગે મળેલી ફરિયાદોનો જવાબ આપશે. દરેક ફરિયાદનો યોગ્ય જવાબ લેખિતમાં આપવામાં આવશે. ઈવીએમ એક વાર નહીં પણ ઘણી વખત ચેક કરવામાં આવે છે.
દેશના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર
મહત્વનું છે કે રાજીવ કુમાર દેશના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર છે. તેઓ 1 સપ્ટેમ્બર 2020થી ચૂંટણી કમિશનર તરીકે ચૂંટણી પંચનો ભાગ છે. તેમણે 15 મે 2022 ના રોજ ચાર્જ સંભાળ્યો અને 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે. રાજીવ કુમાર 19 ફેબ્રુઆરી 2025 ના રોજ પોતાનો 65મો જન્મદિવસ ઉજવશે. બંધારણ મુજબ ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.
રાજીવ કુમાર 1984 બેચના IAS અધિકારી છે.
ભારતીય વહીવટી સેવાના 1984 બેચના અધિકારી રાજીવ કુમારે તેમની લાંબી વહીવટી કારકિર્દીમાં ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. તેમણે કેન્દ્રમાં વિવિધ મંત્રાલયોમાં અને બિહાર/ઝારખંડના તેમના રાજ્ય કેડરમાં સેવા આપી છે. B.Sc., L.L.B., PGDM અને M.A. પબ્લિક પોલિસીની શૈક્ષણિક ડિગ્રી ધરાવનાર રાજીવ કુમારને સામાજિક ક્ષેત્ર, પર્યાવરણ અને જંગલો, માનવ સંસાધન, નાણાં અને બેંકિંગ ક્ષેત્રોમાં પણ વ્યાપક કાર્ય અનુભવ છે.
આ પણ વાંચો :- વસ્તીના અસંતુલનથી ભારતમાં પણ લોકશાહી પર જોખમ: આવું કોણે અને કેમ કહ્યું?