કંડલાની એગ્રોટેક કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, પાંચ શ્રમિકોના થયા મૃત્યુ
કચ્છ, 16 ઓકટોબર, ગુજરાતમાં કામ કરાવતી કંપનીઓ કર્મચારીઓને ક્યાં તો પૂરતી તાલીમ આપતી નથી અથવા તો કર્મચારીઓની સલામતીઓને લગતા પાસાને લઈને અત્યંત બેદરકાર જોવા મળે છે. આંતરે દિવસે કંપનીઓની ઔદ્યોગિક દુર્ઘટના આવતી જોવા મળે છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કંડલામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના સર્જાઈ છે. વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરતી વખતે પાંચ શ્રમિકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના મોડી રાતે બની હોવાનું કહેવાય છે. વેસ્ટ પ્રવાહીની ટેન્કમાં સફાઈ વખતે રાતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. તમામના મૃતદેહોને પીએમ માટે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કચ્છના કંડલાની કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મંગળવારે (15 ઓક્ટોબર) રાત્રીના 12.30 કલાકે મોટી દુર્ઘટના થઈ છે. આ મામલે કંડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ પણ ટાંકી સાફ કરતા સમયે શ્રમિકોના મૃત્યુ થયા હતા. ત્યારે આવી જ વધુ એક ઘટના બનતા શ્રમિકોની સેફટી પર પણ સવાલો ઉભા થયા છે. મૃતકોમાં સુપરવલાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે. આ ઘટનામાં મૃત્યુ પામનારમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોર નામના કામદારોનું કેમિકલ ટાંકામાં ગેસ ગળતરથી મૃત્યુ નીપજ્યું હતુ. તમામના મૃતદેહોને પીએમ માટે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો…સુરતમાં બેફામ ટ્રક ચાલકે સાઇકલ સવાર વૃદ્ધને અડફેટે લેતા મૃત્યુ, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ