ગુજરાતટ્રેન્ડિંગ

ગાંધીનગર જિલ્લામાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

  • શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કરીને તેના નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા
  • પેઢીના માલિકો સહિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
  • આશરે 822 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાતમાં આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કે વેચાણ ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જેના માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ દરોડા પાડીને અખાદ્ય તથા ભેળસેળયુક્ત સામગ્રીનો જથ્થો જપ્ત કરી રહ્યું છે અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કરીને તેના નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા

ગાંધીનગર જિલ્લામાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. જેમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનુ સંગ્રહ અને વેચાણ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ દ્વારા ઘી બનાવતી અને વેચતી વિવિધ પેઢીઓ ઉપર દરોડો પાડવામાં આવ્યો છે જ્યાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કરીને તેના નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આશરે 822 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સિનિયર ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા ગાંધીનગર જિલ્લાના ગલુદણ ખાતે મે. શ્રી કુલદેવી માર્કેટીંગ કંપની તથા અંજની માર્કેટીંગ નામની પેઢીમાં બાતમીના આધારે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીઓમાંથી રૂપિયા 5.26 લાખની કિંમતનો આશરે 822 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પેઢીના માલિકો સહિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

ગાંધીનગરના ગલુદણ ખાતે મે. શ્રી કુલદેવી માર્કેટીંગ કંપની, મે. નિયાંશ ફુડ ડેરી પ્રોડક્ટસ અને મે. અંજની માર્કેટીંગ નામની પેઢીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો. પેઢીના માલિકની હાજરીમાં પૃથ્થકરણ માટે ત્રણે પેઢીમાંથી જુદા જુદા ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ જ આ પેઢીના માલિકો સહિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા બે શખ્સ રૂ.31.50 લાખ સાથે ઝડપાયા

 

Back to top button