અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ પુરુ નહીં કરનારા કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરાશે
- તંત્રે ડ્રો કરી દીધા પછી પણ લોકોને હજુ સુધી આવાસ મળી શકયા નથી
- 1190 આવાસ બનાવવા કોન્ટ્રાકટર સાંઘાણી ઈન્ફ્રાસ્ટ્રકચરને કામગીરી અપાઈ હતી
- કામગીરી પુરી નહીં કરી શકતા કોન્ટ્રાકટરને પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત
અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસનું કામ પુરુ નહીં કરનારા કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરાશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ-2019માં રુપિયા 59 કરોડના ખર્ચે થલતેજમાં 1190 આવાસ બનાવવા કોન્ટ્રાકટર સાંઘાણી ઈન્ફ્રાસ્ટ્રકચરને કામગીરી અપાઈ હતી.
કામગીરી પુરી નહીં કરી શકતા કોન્ટ્રાકટરને પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત
ઉલ્લેખનીય છે કે આવાસ બાંધવાની કામગીરી પુરી નહીં કરી શકતા કોન્ટ્રાકટરને પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા હાઉસીંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજુરી માટે મુકાઈ છે. ઉપરાંત બાકી રહેતી કામગીરી કોન્ટ્રાકટરના ખર્ચે કરાવાશે. થલતેજ વોર્ડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ-2019માં 1190 આવાસ બનાવવા કોન્ટ્રાકટર સાંઘાણી ઈન્ફ્રાસ્ટ્રકચરને કામગીરી અપાઈ હતી. 80 ટકા ઉપરાંત કામગીરી પુરી કર્યા બાદ કોન્ટ્રાકટરે બાકીની કામગીરી કરી નહીં શકે એમ મ્યુનિ.તંત્રને કહી કામગીરી અધુરી છોડી દીધી હતી.
તંત્રે ડ્રો કરી દીધા પછી પણ લોકોને હજુ સુધી આવાસ મળી શકયા નથી
આઘાતજનક બાબત એ છે કે તૈયાર થયેલા આવાસો લાભાર્થીઓને ફાળવવા તંત્રે ડ્રો કરી દીધા પછી પણ લોકોને હજુ સુધી આવાસ મળી શકયા નથી. કોન્ટ્રાકટર પોતે આવાસ બનાવવાની કામગીરી પુરી કરી નહીં શકે એવી મ્યુનિસિપલ તંત્રમાં લેખિત રજુઆત કરતા કોન્ટ્રાકટરને તંત્ર તરફથી નોટિસ આપવામાં આવી હતી.હાઉસીંગ કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામાં આવેલી દરખાસ્ત મુજબ, કોન્ટ્રાકટર દ્વારા ભરવામાં આવેલી સિકયોરીટી ડિપોઝીટ તથા રનીંગ બીલમાંથી કાપવામાં આવેલ રીટેન્શનમનીની રકમ તથા આ કામ પેટે મ્યુનિ.ને તેઓની લહેણી નીકળતી અન્ય તમામ રકમ ઈજનેર અનામત ખાતે જમા લેવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત: વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે પેટાચૂંટણી, આ ત્રણ નામ સૌથી વધુ ચર્ચામાં