ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘ટ્રુડો સરકારના આરોપો ખૂબ જ ગંભીર…’ ભારત-કેનેડા વિવાદમાં અમેરિકા પણ કૂદી પડ્યું

  • ભારત સરકાર કેનેડા અને તેની તપાસમાં સહકાર આપે: US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા

વોશિગ્ટન DC, 16 ઓક્ટોબર: ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. હવે અમેરિકા પણ આમાં કૂદી પડ્યું છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે,  “અમે સ્પષ્ટ કર્યું છે કે કેનેડાના આરોપો ખૂબ જ ગંભીર છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર કેનેડા અને તેની તપાસમાં સહકાર આપે. પરંતુ ભારતે વૈકલ્પિક રસ્તો પસંદ કર્યો.”

આ પહેલીવાર નથી જ્યારે અમેરિકાએ ભારત અને કેનેડા વચ્ચેના તણાવ પર ટિપ્પણી કરી હોય. ગયા વર્ષે જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં ભારત પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે અમેરિકાએ ભારતની પ્રતિક્રિયા પર ચિંતા વ્યક્ત કરી હતી. તે સમયે ભારતે કેનેડાના 41 રાજદ્વારીઓને પરત ફરવાનું કહ્યું હતું. ત્યારે પણ મેથ્યુ મિલરે કહ્યું હતું કે, અમેરિકા માને છે કે ભારતે કેનેડાની તપાસમાં સહયોગ કરવો જોઈએ.

 

ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંકટ વધુ ઘેરાયેલું

નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંકટ ફરી એકવાર ઘેરી બન્યું છે. કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ એટલે કે કેનેડાની સરકારે ભારત પાસે છ રાજદ્વારીઓની ડિપ્લોમેટિક ઇમ્યુનિટી હટાવવાની વિનંતી કરી હતી, જેથી તપાસ એજન્સીઓ તેમની પૂછપરછ કરી શકે. પરંતુ ભારતે તેમ ન કર્યું તેથી રાજદ્વારીઓને હાંકી કાઢવા પડ્યા.

જોલીએ કહ્યું કે, “અમે ચૂપ રહીશું નહીં કારણ કે કોઈપણ દેશના એજન્ટ કેનેડિયન નાગરિકોને ધમકાવવા, હેરાન કરવાનો અને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે.” કેનેડાની આ કાર્યવાહી પર ભારતે પણ પ્રતિક્રિયા આપી છે અને તેના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા કહ્યું છે.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર મામલો ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલો છે. નિજ્જર કેનેડાનો નાગરિક હોવા છતાં તેને ભારતે આતંકવાદી જાહેર કર્યો છે. ગયા વર્ષે 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારા પાસે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે, ભારતે હંમેશા કેનેડાના આ દાવાઓને વાહિયાત અને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. સોમવારે જ્યારે કેનેડિયન પોલીસ મુજબ, ભારતીય રાજદ્વારી અને કોન્સ્યુલર ઓથોરિટી સીધી રીતે અથવા એજન્ટો થકી માહિતી એકત્ર કરવા માટે તેમના પદનો ફાયદો ઉઠાવે છે. જેનો અર્થ એ થયો કે કેનેડાએ ભારતીય રાજદ્વારીઓને સીધા જ સકંજામાં લીધા છે. બાદમાં ટ્રુડોએ પણ પ્રેસ કોન્ફરન્સમાં આ જ આરોપોનું પુનરાવર્તન કર્યું હતું.

જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે આ વાતને નકારી કાઢી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે, ટ્રુડો વોટ બેંકની રાજનીતિ માટે આવું કરી રહ્યા છે. કેનેડાના આ આરોપો બાદ ભારતે પોતાના હાઈ કમિશનર સંજયકુમાર વર્માને પણ પરત બોલાવ્યા છે. ભારતે સ્પષ્ટ કહ્યું કે, હવે તેમને કેનેડાની વર્તમાન સરકાર પર વિશ્વાસ નથી.

કોણ હતા હરદીપસિંહ નિજ્જર?

નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ, નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું.

જ્યારે ટ્રુડો 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમને ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી સોંપી હતી, જેમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. 2010માં પટિયાલામાં એક મંદિરની બહાર બોમ્બ વિસ્ફોટમાં તેની સામે FIR નોંધવામાં આવી હતી. હિંસા ભડકાવવા અને આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા સહિતના અનેક કેસમાં પોલીસ તેને શોધી રહી હતી. ભારત સરકારે હરદીપસિંહ નિજ્જરને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યા હતા. NIAએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

આ પણ જૂઓ: લેબનોનમાં જંગના પગલે માહોલ બન્યો ભયંકર, લાખો લોકોએ પલાયન કર્યું

Back to top button