અમદાવાદમાં AMC દ્વારા વિવિધ વિસ્તારમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મુકાશે
- શાકમાર્કેટ, બગીચા,કોમ્યુનિટી હોલમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મુકાશે
- શહેરમાં અલગ અલગ 27 સ્થળે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મુકાશે
- મ્યુનિ.તંત્ર પ્રતિ કિલોગ્રામ 5.50 રુપિયા એજન્સીને આપશે
અમદાવાદમાં AMC દ્વારા વિવિધ વિસ્તારમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મુકાશે. જેમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારના શાકમાર્કેટ, બગીચા,કોમ્યુનિટી હોલમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મુકાશે.
મ્યુનિ.તંત્ર પ્રતિ કિલોગ્રામ 5.50 રુપિયા એજન્સીને આપશે
અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા શાકમાર્કેટ, બગીચા અને કોમ્યુનિટી હોલમાથી નીકળતા વેસ્ટને સ્થળ ઉપર પ્રોસેસ કરી ફર્ટીલાઈઝર બનાવવા માટે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મુકવા મ્યુનિ.તંત્રે નિર્ણય કર્યો છે. જયાં શકય હોય ત્યાં બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવા પણ મ્યુનિ.તંત્રે બે એજન્સીને કામગીરી આપી છે. મ્યુનિ.તંત્ર પ્રતિ કિલોગ્રામ 5.50 રુપિયા એજન્સીને આપશે.
અલગ અલગ 27 સ્થળે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મુકાશે
ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ સ્પર્ધા અંતર્ગત શહેરમાં છ હજારથી વધુ સોસાયટીઓએ મ્યુનિ.માં રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. શહેરમાં જયાં મોટી માત્રામાં ગ્રીન વેસ્ટ મળે છે એવા અલગ અલગ 27 સ્થળે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મુકી સ્થળ ઉપર જ પ્રોસેસ કરવા વિવિધ એજન્સીઓ પાસેથી ઓફર મંગાવવામા આવી હતી. હેલ્થ કમિટીમાં મંજુર કરવામા આવેલી દરખાસ્ત મુજબ બાયોફીકસ પ્રા.લી. તથા મે.વરદાયની એન્ટરપ્રાઈસ નામની બે એજન્સીને ભીના કચરાને ટ્રાન્સફર સ્ટેશન ઉપર અલગ કરી ઓર્ગેનિક વેસ્ટ અલગ કરવા તેમજ બાયો ડીગ્રેડેબલ વેસ્ટમાંથી ઓર્ગેનિક ફર્ટીલાઈઝર બનાવવા બી.ઓ.ડી.મોડલ મશીનથી ત્રણ વર્ષના સમય માટે કામગીરી કરાવવા માટે મંજુરી આપવામા આવી છે.
ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મુકવા માટે કાર્યવાહી કરવામા આવશે
આગામી સમયમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં આવેલી રહેણાંક સોસાયટીઓ, કોમર્શિયલ કોમ્પલેકસ સહીતના એકમોમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મુકવા માટે કાર્યવાહી કરવામા આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ખેતીની ખરીફ ઋતુ પૂરી, જાણો કેટલું વાવેતર નોંધાયું