મહિલા T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની હાર, સેમિફાઇનમાં પહોંચવાનું ભારતનું સપનું રોળાયું
દુબઈ, 14 ઓક્ટોબર : મહિલા T20 વર્લ્ડ કપ 2024માં સોમવારે (14 ઓક્ટોબર) ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની મહિલા ટીમને ન્યૂઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરિણામ સાથે ભારતીય ટીમ અને પાકિસ્તાન બંને સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયા છે. ભારતીય ટીમ 8 વર્ષ પછી એટલે કે 2016 પછી પહેલીવાર ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી નથી. મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ Aમાંથી ઓસ્ટ્રેલિયા બાદ હવે ન્યુઝીલેન્ડ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે.
ભારતીય ટીમ માત્ર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હારી
ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા પણ ગ્રુપ Aમાં હતા. જો પાકિસ્તાન જીત્યું હોત તો ભારતીય ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની વધુ તકો હતી. પરંતુ હવે આ સપનું તૂટી ગયું છે. બીજી તરફ ગ્રુપ બીમાંથી ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા અત્યારે સેમિફાઈનલની રેસમાં છે. ભારતીય ટીમ મહિલા T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં 4 માંથી માત્ર 2 મેચ જીતી શકી અને ત્રીજા સ્થાને રહી. તેને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે હાર આપી છે. જ્યારે ભારતીય ટીમે શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવ્યું છે.
આ રીતે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને હરાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે ગ્રુપ Aની છેલ્લી મેચ દુબઈમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કિવી ટીમે 110 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાની ટીમ 11.4 ઓવરમાં 56 રન પર જ સિમિત થઈ ગઈ હતી. આ રીતે કિવી ટીમે 54 રને મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પાકિસ્તાનની ટીમ સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી કેપ્ટન ફાતિમા સનાએ સૌથી વધુ 21 રન બનાવ્યા હતા.
જ્યારે મુનીબા અલીએ 15 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો ન હતા. પાકિસ્તાનના ચાર ખેલાડીઓ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નથી. ન્યુઝીલેન્ડ તરફથી એમેલિયા કેરે 14 રનમાં 3 વિકેટ લીધી હતી. આ પહેલા ન્યુઝીલેન્ડે સુઝી બેટ્સ (28), બ્રુક હેલીડે (22) અને સુકાની સોફી ડિવાઈન (19)ની ઈનિંગની મદદથી 6 વિકેટે 110 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો :- ભારતની વધુ એક કડક કાર્યવાહી, 6 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ