ભારતની વધુ એક કડક કાર્યવાહી, 6 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ
નવી દિલ્હી, 14 ઓક્ટોબર : કેનેડા સાથે ભારતના સંબંધમાં વધુ ખટાશ આવી છે ત્યારે આજે ભારતે એક બાદ એક કડક કાર્યવાહી કરતા હવે કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને તેમને શનિવાર 19 ઓક્ટોબરની મધ્યરાત્રિ 12 પહેલા ભારત છોડવા કહ્યું છે. પહેલાં ભારતે પોતાના રાજદ્વારીઓને પરત બોલાવી લીધા હતા.
કેનેડિયન રાજદ્વારીઓ જેમને ભારત દ્વારા હાંકી કાઢવામાં આવ્યા છે. જેમાં કાર્યવાહક હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલર, ડેપ્યુટી હાઈ કમિશનર પેટ્રિક હેબર્ટ, ફર્સ્ટ સેક્રેટરી મેરી કેથરીન જોલી, ફર્સ્ટ સેક્રેટરી લેન રોસ ડેવિડ ટ્રાઈટ્સ, ફર્સ્ટ સેક્રેટરી એડમ જેમ્સ, ફર્સ્ટ સેક્રેટરી પૌલ ઓર્જુએલાના નામ સામેલ છે.
આ મામલાને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે સાંજે કેનેડાના કાર્યકારી રાજદ્વારીને બોલાવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે કોઈપણ પુરાવા વિના ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ પર આરોપ લગાવવા અસ્વીકાર્ય છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી હતી કે આવા આરોપોથી ઉગ્રવાદ અને હિંસાનું વાતાવરણ ઊભું થયું છે, જેના કારણે અમારા રાજદ્વારીઓની સુરક્ષા જોખમમાં છે.
ભારત સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમને અમારા રાજદ્વારીઓની સુરક્ષા માટે વર્તમાન કેનેડાની સરકારની પ્રતિબદ્ધતા પર કોઈ વિશ્વાસ નથી. તેથી, ભારત સરકારે હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો :- 16 ઓક્ટોબરે ઓમર અબ્દુલ્લા લેશે શપથ, LGએ તારીખ કરી જાહેર