NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યા, બે જણની અટકાયત
મુંબઈ, 12 ઑક્ટોબર, 2024: મહારાષ્ટ્રમાં હવે ખરેખર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નાજૂક થઈ રહી હોય એમ લાગે છે. રાજ્યના મુખ્ય શહેર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આજે વિજયાદશમીની રાત્રે અજિત પવાર જૂથના એનસીપી નેતાને અજાણ્યા લોકોએ ગોળીઓ મારી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સિદ્દીકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મળતા અહેવાલ અનુસાર પોલીસે આ કેસમાં બેથી ત્રણ શકમંદોની અટકાયત કરી લીધી છે.
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં ગંભીર રીતે ઘયાલ થયા બાદ તેમને બચાવી શકાયા નહોતા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. આમાંથી એક ગોળી બાબા સિદ્દીકીની છાતી પાસે વાગી હતી. ગોળી વાગ્યા બાદ બાબા સિદ્દીકીને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
બાબા સિદ્દીકી અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીમાં રહી ચૂક્યા છે. બાદમાં તેઓ NCP અજિત પવાર જૂથમાં જોડાયા હતા. બાબા સિદ્દીકી ત્રણ વખત કોંગ્રેસના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં, લોકસભા ચૂંટણી પહેલાં તેઓ NCP અજિત પવાર જૂથમાં જોડાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બાબા સિદ્દીકીને તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે ગોળી મારી દેવામાં આવી છે. બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પણ બાંદ્રા પૂર્વ વિધાનસભા સીટથી ધારાસભ્ય છે.
આ પણ વાંચોઃ ‘બાંગ્લાદેશ સરકારે તાત્કાલિક હિંદુઓને સુરક્ષા પૂરી પાડવી જોઈએ’, દુર્ગા પૂજા પર હુમલા બાદ ભારતનો કડક સંદેશ