ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

AR રહેમાને કમલા હેરિસ માટે બનાવ્યો 30 મિનિટનો વીડિયો, જાણો શું આપ્યો મેસેજ

  • સંગીતકાર રહેમાનનો આ વીડિયો 13 ઓક્ટોબરે કમલા હેરિસના કાર્યક્રમમાં વગાડવામાં આવશે

વોશિંગ્ટન DC, 12 ઓકટોબર: અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી પ્રમુખની ચૂંટણીને લઈને કમલા હેરિસના સમર્થનમાં ભારતીય સંગીતકાર AR રહેમાને તેમના માટે 30 મિનિટનો ખાસ વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં AR રહેમાને ખાસ મેસેજ પણ આપ્યો છે, જે 13 ઓક્ટોબરે કમલા હેરિસના કાર્યક્રમમાં વગાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, AR રહેમાન કમલા હેરિસના સમર્થનમાં કેમ આવ્યા. કમલા હેરિસનું સમર્થન કરતા એક અમેરિકન ગ્રુપે એક દિવસ પહેલા જ AR રહેમાનને તેમની ઐતિહાસિક દાવેદારીના દિવસે કોન્સર્ટ રજૂ કરવા માટે કોલ કર્યો હતો.

આ પછી, રહેમાને હવે ઉપપ્રમુખ કમલા હેરિસના સમર્થનમાં તેમના કોન્સર્ટનો 30 મિનિટનો વીડિયો રેકોર્ડ કર્યો છે, જે 5 નવેમ્બરે યોજાનારી પ્રમુખની ચૂંટણી પહેલા તેમના (હેરિસના) કેમ્પેઇનને મોટો વેગ આપશે તેવી અપેક્ષા છે. AR રહેમાન ભારતીય-આફ્રિકન મૂળના કમલા હેરિસને ટેકો આપનાર દક્ષિણ એશિયાના પ્રથમ મોટા આંતરરાષ્ટ્રીય કલાકાર છે. એશિયન અમેરિકન પેસિફિક આઇલેન્ડર્સ (AAPI) વિક્ટરી ફંડના પ્રમુખ શેખર નરસિમ્હને જણાવ્યું હતું કે, “આ પરફોર્મન્સ સાથે, AR રહેમાન એવા નેતાઓ અને કલાકારોના સમૂહમાં સામેલ થઈ ગયા છે, જે અમેરિકામાં પ્રગતિ અને પ્રતિનિધિત્વને સમર્થન કરે છે.”

શેખર નરસિમ્હને શું કહ્યું?

શેખર નરસિમ્હને જણાવ્યું હતું કે, “આ માત્ર એક કોન્સર્ટ કરતાં વધુ છે, તે અમારા સમુદાયો માટે કાર્યવાહીનું આહ્વાન છે કે તેઓ ભવિષ્યના નિર્માણ માટે આ કવાયતમાં સામેલ થાય અને વોટ કરે, જેને આપણે જોવા માંગીએ છીએ.” આ પહેલા, AAPI વિક્ટરી ફંડે જાહેર કર્યું હતું કે, વિશ્વ વિખ્યાત ભારતીય સંગીતકાર અને ગાયક રહેમાને હેરીસના 2024ના પ્રમુખ કેમ્પેઇનના સમર્થનમાં 30-મિનિટનો ખાસ વીડિયો રેકોર્ડ કર્યો છે.

આ વીડિયો 13 ઓક્ટોબરના રોજ AAPI વિક્ટરી ફંડના યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવશે. 30-મિનિટના આ કાર્યક્રમમાં રહેમાનના કેટલાક સૌથી પ્રિય ગીતો દર્શાવવામાં આવશે, જેમાં કમલા હેરિસની ઐતિહાસિક ઉમેદવારી અને AAPI સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરતા સંદેશાઓ પણ હશે. જો કે, 30 મિનિટના આ વીડિયોમાં કયા ગીતો અને સંદેશા છે તે અંગે હજુ સુધી કંઈ જ બહાર આવ્યું નથી.

આ પણ જૂઓ: જામનગરના રાજવી પરિવારની મોટી જાહેરાત, ભૂતપૂર્વ ક્રિકેટરને વારસદાર બનાવ્યા

Back to top button