ગુજરાતના આ શહેરની મનપા મૂડી માટે બોન્ડ ઈશ્યૂ કરશે
- 51 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર મુડી માટે બોન્ડ ઈસ્યુ કરાશે
- મનપા ઉપર સરેરાશ માત્ર સાડાપાંચ ટકા વ્યાજનું જ ભારણ રહેશે
- બેન્ક, એલ.આઈ.સી. જેવા સંસ્થાકીય ખરીદ્દારો બીડીંગ કરી શકશે
ઈ.સ. 1973માં સ્થપાયેલ, અને 69 ચો.કિ.મી.એરિયામાંથી નવા વિસ્તારો ભળતા હાલ 161.86 ચો.કિ.મી.નો વિસ્તાર, 5.80 લાખ મિલ્કતો, અંદાજે 20 લાખની વસ્તી, વર્ષે રૂ. 2000 કરોડથી વધુનું બજેટ અને રૂ. 1400 કરોડનો સરેરાશ આવક-ખર્ચ ધરાવતી રાજકોટ મહાનગર પાલિકા તેના 51 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર મુડી માટે બોન્ડ ઈસ્યુ કરી રહી છે.
બેન્ક, એલ.આઈ.સી. જેવા સંસ્થાકીય ખરીદ્દારો બીડીંગ કરી શકશે
મ્યુનિ.કમિશનર અને પદાધિકારીઓએ સંયુક્ત રીતે જણાવ્યા પ્રમાણે રાજકોટમાં શહેરી વિકાસની નીતિ અને નાણાકીય વ્યવસ્થામાં સુધારા કરવા માટે રૂ. 100 કરોડના બોન્ડ ઈસ્યુ કરવા સેબી અને સ્ટોક એક્સચેન્જ (એન.એસ.ઈ.)માં પ્લેસમેન્ટ માટે મેમોરેન્ડમ ફાઈલ કરવામાં આવેલ છે. આ બોન્ડ માટે તા. 16 ઓક્ટોબર સુધીમાં માત્ર બેન્ક, એલ.આઈ.સી. જેવા સંસ્થાકીય ખરીદ્દારો બીડીંગ કરી શકશે.
મનપા ઉપર સરેરાશ માત્ર સાડાપાંચ ટકા વ્યાજનું જ ભારણ રહેશે
આ બોન્ડ પર મનપાએ જે વ્યાજ ચૂકવવાનું હોય છે તે જે બીડર ન્યુનત્તમ વ્યાજ દર ભરે તેને આ બોન્ડ આપવાના હોય છે. સામાન્ય રીતે 8.5 ટકાની આસપાસ વ્યાજદર વસુલાતો હોય છે પરંતુ, મનપાના સૂત્રોએ જણાવ્યું કે મહાનગર પાલિકા આત્મનિર્ભર થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ 100 કરોડના બોન્ડ માટે રૂ. 13 કરોડની સબસિડી પ્રોત્સાહન આપે છે. આમ, મનપા ઉપર સરેરાશ માત્ર સાડાપાંચ ટકા વ્યાજનું જ ભારણ રહેશે. આ બોન્ડ સિક્યુર્ડ બોન્ડ રહેશે જેમાં તમામ પ્રકારના વેરા, બાકી લેણા, ફી અને યુઝર્સ ચાર્જીશનું એસ્ક્રો એકાઉન્ટ મારફત વસુલાત, રૂ. 10 કરોડની ફીક્સ ડિપોઝીટ વગેરે સમાવિષ્ટ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જાણો કયા કરી હવામાન વિભાગે વરસાદની આગાહી