કેન્દ્ર સરકારની બે Made in India પરમાણુ સબમરીન બનાવવા મંજૂરી
- કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ પ્રોજેકટ કર્યો મંજુર
- સબમરીન પ્રોજેક્ટ માટે રૂ.40 હજાર કરોડ ખર્ચાશે
નવી દિલ્હી, 10 ઓક્ટોબર : ભારત સરકારની CCS, એટલે કે વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ બે સ્વદેશી પરમાણુ સબમરીન બનાવવાની મંજૂરી આપી છે. આ સબમરીન નિર્માણનો કુલ પ્રોજેકટ રૂ.40 હજાર કરોડનો છે. જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આનાથી ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક અને આક્રમક ક્ષમતામાં વધારો થશે.
આ સબમરીનના નિર્માણથી હિંદ મહાસાગર ક્ષેત્ર અને દક્ષિણ ચીન સાગરમાં નેવીની તાકાત વધશે. આ સબમરીનનું નિર્માણ વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં કરવામાં આવશે. આને બનાવવામાં લાર્સન અને ટુબ્રો જેવી ખાનગી કંપનીઓની મદદ પણ લઈ શકાય છે. સબમરીન 95 ટકા સુધી સ્વદેશી હશે. આ સબમરીન અરિહંત વર્ગથી અલગ હશે. આ પ્રોજેક્ટ એડવાન્સ ટેક્નોલોજી વેસલ હેઠળ બનાવવામાં આવશે.
અત્યારે બે સબમરીન બનાવવામાં આવશે, ત્યારબાદ ચાર વધુ બનાવી શકાશે. જ્યારે ભારતે તાજેતરમાં તેની બીજી SSBN એટલે કે પરમાણુ સબમરીન INS અરિઘાટને કાર્યરત કરી છે. આગામી વર્ષમાં ભારતીય નૌકાદળમાં વિવિધ પ્રકારના યુદ્ધ જહાજ અને સબમરીન ઉપલબ્ધ થવા જઈ રહી છે.
આ પણ વાંચો :- રતન ટાટાને ભારતરત્ન આપવા મહારાષ્ટ્ર સરકારની માંગ