અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

GILમાં તુષાર ભટ્ટ નિયુક્ત થયા ત્યારથી તંત્ર સાવ ખાડે ગયું, સરકારની થઈ રહી છે નાલેશી

ગાંધીનગર, 9 ઑક્ટોબર, 2024: ગુજરાત ઈન્ફર્મેટિક્સ લિમિટેડ (GIL) ના મેનેજિંગ ડિરેક્ટર પદે IAS અધિકારી તુષાર ભટ્ટની નિમણૂક થઈ ત્યારથી ગુજરાત સરકારની આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો વહીવટ સાવ ખાડે ગયો હોય એવું સ્પષ્ટ થાય છે. આ વાતનું તાજું ઉદાહરણ આજે બુધવારે ગાંધીનગર સચિવાલયમાં જોવા મળ્યું. આજે સચિવાલયના ગેટ નંબર 8થી 14ની વ્યવસ્થા સવારે 11 વાગ્યાથી સદંતર ખોરવાયેલી રહી હતી અને સાંજે આ લખાય છે ત્યાં સુધી સિસ્ટમ ચાલુ થઈ નહીં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ જીઆઈએલ હેઠળ આવતી જીસ્વાન સિસ્ટમ એપ્રિલ 2023થી વારંવાર ખોટકાઈ રહી છે જેને કારણે તમામ ઑનલાઇન કામો કલાકો સુધી અટવાયેલા રહે છે. આ અંગે તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે, જીઆઈએલના વર્તમાન એમડી તુષાર ભટ્ટ એજન્સીઓ જોડે કામ લેવામાં નિષ્ફળ ગયા છે અને એજન્સીઓને પોતાની દુશ્મન સમજે છે. તેનું પરિણામ એ આવે છે કે, ઑનલાઈન સિસ્ટમ ખોરવાયેલી રહે છે અને છેવટે સરકારની નાલેશી થાય છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, સરકાર પૉલિસી બહાર પાડે છે જે અંતર્ગત ઈન-પ્રિન્સિપલ એપ્રુવલો હોવા છતાં GILના એમડી ફાઈલો પાસ કરતા નથી. એવું પણ કહેવાય છે કે, વિજય નહેરાની આ વિભાગમાંથી બદલી થવા પાછળનું કારણ GILના એમડી તુષાર ભટ્ટ છે.

તુષાર ભટ્ટ બાબતે એવી ફરિયાદો પણ મળી રહી છે કે, ક્લેમ કરનાર અરજદારો સાથે દુશ્મનો જેવું વર્તન કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નિર્દેશ આપેલો છે કે વિશ્વાસ પ્રોજેક્ટ તાત્કાલિક પૂરો કરવો. આ અંગે ઉપરથી મંજૂરી હોવા છતાં એમડીએ કામ અટકાવેલું છે એવા આક્ષેપ થઈ રહ્યા છે. તેમણે તો ગુજરાતના પોલીસ વિભાગમાં CCTVનો આખો પ્રોજેક્ટ અટકાવી રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. ટૂંકમાં, GILના એમડી તુષાર ભટ્ટ કોઈપણ ફાઈલો પ્રોસેસ થવા જ નથી દેતા. તેઓ તેમના અધિકારીઓને કહે છે કે, પોઝિટિવ કામ કરીએ તો વધારે કામ કરવું પડે એટલે નેગેટિવ કરીને મૂકી રાખવાનું જેથી કામનું વધારે ભારણ ન આવે. જાણવા મળ્યું છે કે, સેક્રેટરીઓ દ્વારા ચાર ચાર વાર બોલાવવામાં આવતા હોવા છતાં અધિકારીઓ ખુરશી છોડતા નથી અને જાણી જોઈને જતા નથી. જોકે તેમના આવા વલણથી ગુજરાત સરકારની ભારે નાલેશી થઈ રહી છે. એ તો સૌ જાણે છે કે, સરકારના મોટાભાગના પ્રોજેક્ટ ઓરેન્જ કંપનીએ તૈયાર કર્યાં છે તેને પણ સવા કરોડનો દંડ ફટકારાયો છે, ત્યારે પ્રશ્ન એ થાય કે એમડી તુષાર ભટ્ટે આ બાબતે શું ધ્યાન આપ્યું? શું આ સ્થિતિ માટે તેઓ પોતે જવાબદાર ન ગણાય? શું  આ અધિકારી GILનો વહીવટ ખાડે તો લઈ જઈ રહ્યા નથી ને?

આ પણ વાંચોઃ હિન્દુ સમાજમાં આગ લગાવેલી રાખવા માંગે છે કોંગ્રેસ: PM મોદીના આકરા પ્રહારો

Back to top button