ટ્રેન્ડિંગસ્પોર્ટસ

જો રૂટે તોડ્યો સુનીલ ગાવસ્કરનો આ મોટો રેકોર્ડ, જાણો વિગત

લાહોર, તા. 9 ઓક્ટોબરઃ પાકિસ્તાનના મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં ઈગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટમાં જો રૂટે સુનીલ ગાવસ્કર અને બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો છે. ટેસ્ટના ત્રીજા દિવસે સદી ફટકારવાની સાથે તેણે આ કારનામું કર્યું હતું.

મુલતાનમાં રમાઈ રહેલી ટેસ્ટમાં પાકિસ્તાને પ્રથમ ઈનિંગમાં શફીકના 102 રન, મસૂદના 151 રન અને સલમાનના 104 રનની મદદથી 556 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈગ્લેન્ડની ટીમે ત્રીજા દિવસે 69 ઓવરમાં 3 વિકેટ પર 346 રન બનાવી દીધા છે. જો રૂટ 118 અને હેરી બ્રુક 61 રને રમતમાં છે.

જો રૂટની ટેસ્ટ કરિયરના આ 35મી સદી છે. તેની સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં સદીના મામલે સુનીલ ગાવસ્કર, બ્રાયન લારા, મહિલા જયવર્દને અને યુનુસ ખાનને પાછળ રાખી દીધા છે. આ તમામે ટેસ્ટ કરિયરમાં 34-34 સદી ફટકારી હતી. હવે જો રૂટની નજર ટીમ ઈન્ડિયાની તત્કાલિન કોચ રાહુલ દ્રવિડના રેકોર્ડ પર રહેશે. દ્રવિડે ટેસ્ટ કરિયરમાં 36 સદી ફટકારી છે.

2024માં સૌથી વધુ ટેસ્ટ સદી

  • 5 – કામિન્દુ મેન્ડિસ
  • 5 – જો રૂટ

 ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ સદી (વિદેશમાં)

  • 18 – એલિસ્ટર કૂક (136 ઈનિંગ)
  • 14 – જો રૂટ (131 ઈનિંગ)
  • 14 – કેન બેરિંગ્ટન (58 ઈનિંગ)
  • 13 – કોલિન કાઉડ્રી (100 ઈનિંગ)
  • 13 – વેલી હેમન્ડ (72 ઈનિંગ)

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી

  • 51 – સચિન તેંડુલકર
  • 45 – જેક કાલિસ
  • 41 – રિકી પોન્ટિંગ
  • 38 – કુમાર સંગાકારા
  • 36 – રાહુલ દ્રવિડ
  • 35 – જો રૂટ*
  • 34 – સુનીલ ગાવસ્કર/બ્રાયન લારા/મહિલા જયવર્દને/યુનિસ ખાન

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો 5મો ખેલાડી બન્યો જો રૂટ

સદી ફટકારવાની સાથે જો રૂટ ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તેણે રનના મામલે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકને પાછળ રાખી દીધો છે. કૂકે 291 ઈનિંગમાં 45.35ની સરેરાશથી 12,472 રન બનાવ્યા હતા. જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો પાંચમો ખેલાડી બની ગયો છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર ટોચ પર છે, તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક 15,921 રન બનાવ્યા છે. બીજા ક્રમે રહેલા પોન્ટિંગે 13,378 રન, ત્રીજા ક્રમે રહેલા જેક કાલિસે 13,289 રન અને ચોથા ક્રમે રહેલા રાહુલ દ્રવિડે 13,288 રન બનાવ્યા છે. જો રૂટે 2013 થી 2020 દરમિયાન 17 ટેસ્ટ સદી ફટકારી હતી, જ્યારે 2021 થી 2024માં અત્યાર સુધીમાં 18 સદી ફટકારી ચુક્યો છે.

આ પણ વાંચોઃ આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર બન્યો શ્રીલંકાનો હેડ કોચ, ભારત સામે છે શાનદાર દેખાવ

Back to top button