ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હરિયાણામાં જીત બાદ PM મોદીને મળ્યા CM સૈની, અડધો કલાક સુધી ચાલી વાતચીત

  • હરિયાણામાં ભાજપે નાયબ સિંહ સૈનીના ચહેરા પર ચૂંટણી લડી અને બમ્પર જીત બાદ હવે ફરીથી તેમને કમાન સોંપવામાં આવી શકે છે 

નવી દિલ્હી, 9 ઓકટોબર: હરિયાણામાં હાર અને જમ્મુ-કાશ્મીરમાં ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસ પર તેના એલાયન્સ પાર્ટનર દબાણ બનાવી રહ્યા છે, ત્યારે હરિયાણામાં હેટ્રિક બાદ નવી સરકારની રચનાને લઈને ભાજપની છાવણીમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. હરિયાણાના કાર્યવાહક મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની આજે બુધવારે દિલ્હીમાં છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચેની મુલાકાત વડાપ્રધાનના નિવાસસ્થાને થઈ હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ અડધા કલાક સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. CM સૈનીએ હરિયાણાની જીત પર વડાપ્રધાન મોદીનો આભાર માન્યો અને નવી સરકારની રચના અંગે ચર્ચા કરી.

 

PMની લોકપ્રિયતાના કારણે ભાજપે હેટ્રિક ફટકારી: CM 

પીએમને મળ્યા બાદ સૈની હરિયાણા ભવન પહોંચ્યા અને મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, હરિયાણામાં PM નરેન્દ્ર મોદીની નીતિઓ અને યોજનાઓની જીત થઈ છે. PM મોદીની લોકપ્રિયતાના કારણે હરિયાણામાં ભાજપે હેટ્રિક ફટકારી. નાયબ સૈનીએ કહ્યું કે, કોંગ્રેસે ચૂંટણી દરમિયાન જુઠ્ઠાણાનું તોફાન ઉભું કર્યું હતું જેને જનતાએ ફગાવી દીધું.

નાયબ સૈનીએ CM ચહેરા વિશે શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં ભાજપે નાયબ સિંહ સૈનીના ચહેરા પર ચૂંટણી લડી હતી અને બમ્પર જીત બાદ હવે સૈનીને ફરીથી હરિયાણાની કમાન સોંપવામાં આવી શકે છે. પીએમ મોદી સાથેની મુલાકાત બાદ જ્યારે સીએમ સૈનીને સીએમ ચહેરા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, વિધાનસભ્ય દળની બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે અને સંસદીય બોર્ડનો નિર્ણય દરેકને સ્વીકાર્ય રહેશે.

ભાજપને 48 અને કોંગ્રેસને 37 બેઠકો મળી 

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો જીતીને ભાજપ સત્તા જાળવી રાખવા અને સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે. જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી છે. ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)એ બે બેઠકો જીતી હતી, જ્યારે અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી. જનનાયક જનતા પાર્ટી (JJP) અને AAP બંનેને ચૂંટણીમાં કોઈ સફળતા મળી નથી. ભાજપ અને કોંગ્રેસની મત ટકાવારી લગભગ સમાન હતી. ભાજપને 39.94 ટકા વોટ મળ્યા જ્યારે કોંગ્રેસને 39.09 ટકા વોટ મળ્યા.

આ પણ જૂઓ: ‘ચૂંટણીપંચને કહીશ કે…’ હરિયાણામાં હાર્યા બાદ રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Back to top button