નવરાત્રિમાં વડોદરા બાદ સુરતમાં ગેંગરેપ: 3 નરાધમોએ રાત્રિના સમયે સગીરાને પીંખી
સુરત, 9 ઓકટોબર, નવરાત્રિમાં નરાધમોનો આતંક જોવા મળ્યો છે. વડોદરામાં સગીરા સાથે ગેંગરેપની ઘટના હજી તાજી જ છે, ત્યાં સુરતમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ થયું છે. વડોદરા જેવી જ રીતે સુરતની સગીરાને નરાધમોએ શિકાર બનાવી છે. ત્યારે લાગે છે કે, મા આદ્યશક્તિના પર્વમાં જ્યાં દીકરીઓ પૂજવામા આવે છે, ત્યાં જ ગુજરાતની દીકરીઓ સલામત નથી. ગૃહ રાજ્યમંત્રીના ગૃહ જિલ્લામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા ગુજરાતમાં આક્રોશ છે. સુરતમાં મિત્ર સાથે જઈ રહેલી સગીરા સાથે અજાણ્યા લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે હાલ વધુ તપાસ માટે પોલીસે DOG સ્કોડની મદદ લીધી છે. સમગ્ર મામલે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.
સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં રાત્રિના સમયે એક સગીરા તેના મિત્ર સાથે ઊભી હતી. આ દરમિયાન 3 નરાધમોએ આવી તેના મિત્રને માર મારી ભગાડી નજીકમાં અવાવરું જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા આણંદ વિદ્યાનગરમાં કોલેજના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે અને મુળ સુરત જિલ્લાની રહેવાસી છે. હાલ તે કોલેજમાંથી પોતાના ઘરે પરત આવી હતી અને આ ઘટના બની છે. પોલીસને જાણ થતા જ હાલ કોસંબા સહિત જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. સગીરાનું પોલીસ મથકે નિવેદન લેવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નીકળે છે. ત્યારે વડોદરાના ભાયલીમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો સુરત જિલ્લામાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને કોસંબા પોલીસ સ્થળ પર પહોંચ્યા છે. તેમજ આરોપીને પકડવા માટે ડોગ સ્કવોડની મદદ લેવાઇ રહી છે. હાલ પીડિતાના પરિવારનાં નિવેદનો લેવાઈ રહ્યાં છે.
આ પણ વાંચો…શોક પૂર્ણ થાય એ પહેલાં ફરીથી છવાયો માતમ: ભાવનગરમાં પિતાના બારમા બાદ શાળાએ જતી પુત્રીને થયો અકસ્માત