જમ્મુ-કાશ્મીર ચૂંટણીઃ આતંકી અફઝલ ગુરુના ભાઈને NOTA થી પણ ઓછા મત મળ્યા
શ્રીનગર, તા.9 ઓક્ટોબર: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના મંગળવારે પરિણામો જાહેર થયા હતા. 2001માં સંસદ હુમલાના દોષી આતંકી અફઝલ ગુરુના ભાઈ એઝાઝ અહમદ ગુરુએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. તેણે સોપોર વિધાનસભા સીટથી ચૂંટણી લડી હતી. જેમાં તેને માત્ર 129 વોટ જ મળ્યા હતા. જે NOTA થી પણ ઓછા છે. આ સીટ પર નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર ઈરશાદ રસૂલની જીત થઈ હતી.
ડિપોઝિટ પણ થઈ ડૂલ
એઝાઝ અહમદે સોપોરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને ડિપોઝિટ પણ ડૂલ થઈ હતી. તેના ભાઈ અફઝલ ગુરુને ડિસેબર 2001માં સંસદ પર હુમલો કરવાના આરોપમાં 9 ફેબ્રુઆરી 2013ના રોજ દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
સોપોર સીટ પરથી કોણ વિજેતા બન્યું
સોપોર સીટની વાત કરીએ તો આ સીટ પરથી નેશનલ કોન્ફરન્સના ઈરશાદ રસૂલે જીત મેળવી હતી. તેને 26,975 મત મળ્યા હતા. તેણે અપક્ષ ઉમેદાવાદ મુરસલીન આઝીરને 6619 મતથી હરાવ્યા હતા. કોંગ્રેસ ઉમેદવાદ અબ્દુલ રશીદ ડાર ત્રીજા ક્રમે રહ્યા હતા. તેને કુલ 5167 મત મળ્યા હતા. સોપોરમાં મહેબુબા મુફ્તીની પાર્ટી પીડીપીના ઉમેદવાર ઈરફાન અલી લોનને માત્ર 1687 વોટ મળ્યા હતા. જ્યારે એઝાઝ અહમદ ગુરુને ફક્ત 129 મત જ મળ્યા, જયારે અહીં નોટાને 341 મત મળ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં કોને કેટલી બેઠક મળી
ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી છે. એનસીને 42 બેઠક, ભાજપને 29 બેઠક, કોંગ્રેસને 6 બેઠક, જેકેપીડીપીને 3 બેઠક, જેપીસી, સીપીઈ(એમ) અને આમ આદમી પાર્ટીને 1-1 બેઠક તથા અપક્ષને 7 બેઠક મળી હતી. વોટશેરની વાત કરીએ ભાજપને 25.64 ટકા, કોંગ્રેસને 11.97 ટકા, નેશનલ કોંગ્રેસને 23.43 ટકા વોટશેર મળ્યો હતો.
2014માં સોપોરમાં શું સ્થિતિ હતી
જમ્મુ-કાશ્મીરમાં 2014માં યોજાયેલી ચૂંટણીમાં સોપોરથી કોંગ્રેસ નેતા હાજી રાશિદ વિજેતા બન્યા હતા. રાશિદ ડાર ત્રીજા ક્રમે હતા. રાશિદની પાર્ટી અવામી ઈત્તેહાદ પાર્ટીએ 44 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમાંથી મોટાભાગના તેમની ડિપોઝિટ બચાવી શક્યા નહોતા.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરઃ આતંકી હુમલામાં પિતા-કાકા ગુમાવનારી શગુન પરિહારે જીતી ચૂંટણી