અમેરિકામાં તબાહી મચાવી શકે છે વાવાઝોડું મિલ્ટન, હજારો ફ્લાઇટ્સ રદ્દ; એલર્ટ જારી
- નેશનલ હરિકેન સેન્ટરે મિલ્ટનને સૌથી વિનાશક વાવાઝોડાની કેટેગરી 5માં રાખ્યું
વોશિંગ્ટન DC, 9 ઓકટોબર: અમેરિકામાં 10 દિવસની અંદર બીજી વખત મોટું વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું મિલ્ટનને લઈને ફ્લોરિડામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નેશનલ હરિકેન સેન્ટરે તેને સૌથી વિનાશક વાવાઝોડાની કેટેગરી 5માં રાખ્યું છે. આ કેટેગરીના વાવાઝોડાને કારણે જાન-માલનું મોટું નુકસાન થવાનું જોખમ છે. વાવાઝોડાને કારણે પ્રમુખ જો બાઈડને જર્મની અને અંગોલાનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે. વાવાઝોડું મિલ્ટન બુધવારે એટલે કે આજે ફ્લોરિડાના ટેમ્પા બે(ખાડી) સાથે ટકરાઈ શકે છે. સત્તાવાળાઓએ તોફાનના કારણે 1 મિલિયનથી વધુ લોકોને ટેમ્પા બે વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો, જેના પરિણામે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ અને બળતણની અછત સર્જાઈ હતી.
Hurricane Milton barreled toward Florida’s battered Gulf Coast as an enormous Category 5, triggering massive traffic jams and fuel shortages as officials ordered more than 1 million people to flee before it slams into the Tampa Bay area https://t.co/StIBydpGQ8 pic.twitter.com/C63TQ7XI8j
— Reuters (@Reuters) October 9, 2024
એર ટ્રાફિક પ્રભાવિત
વાવાઝોડાને કારણે ટેમ્પા બેના ઉત્તર અને દક્ષિણના દરિયાકિનારા પર 10થી 15 ફૂટ ઊંચા મોજાં ઉછળવાની ધારણા છે. US નેશનલ હરિકેન સેન્ટરે 254 mm કે તેથી વધુ વરસાદની આગાહી કરી છે, પૂરનું જોખમ પણ મંડરાયેલું છે. વાવાઝોડાને કારણે એર ટ્રાફિકને ખરાબ રીતે અસર થઈ છે, લગભગ 900 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડી છે. આજે બુધવાર માટે નિર્ધારિત 1,500થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.
ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાયો
વાવાઝોડું મિલ્ટન હાલમાં મેક્સિકોના અખાતમાંથી પસાર થઈ રહ્યું છે. મંગળવાર સુધી તોફાનની ઝડપ 285 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ દરમિયાન ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. લગભગ 5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અગાઉ અમેરિકામાં હેલેન વાવાઝોડાએ તબાહી મચાવી હતી. હેલેન વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 225 લોકોએ જીવ ગુમાવ્યા છે.
બાઈડને જર્મની અને અંગોલાનો પ્રવાસ સ્થગિત કર્યો
વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, વાવાઝોડાને કારણે પ્રમુખ જો બાઈડને જર્મની અને અંગોલાનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે. યુએસ પ્રમુખ જો બાઈડને ફ્લોરિડામાં હરિકેન મિલ્ટન લેન્ડફોલ કરે તે પહેલા જે લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે લોકોને વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, ફ્લોરિડામાં સદી કરતાં પણ વધુ સમયમાં ત્રાટકેલું આ સૌથી ખરાબ વાવાઝોડું હોઈ શકે છે.
આ પણ જૂઓ: ચૂંટણી પરિણામો આવતાની સાથે જ આતંકીઓએ સેનાના બે જવાનોનું કર્યું અપહરણ