ચૂંટણી પરિણામો આવતાની સાથે જ આતંકીઓએ સેનાના બે જવાનોનું કર્યું અપહરણ
- ટેરિટોરિયલ આર્મીના જવાનનું આતંકવાદીઓ દ્વારા અનંતનાગના કોકરનાગ વિસ્તારના શાંગાસથી અપહરણ કરવામાં આવ્યું
કાશ્મીર, 9 ઓકટોબર: વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તરત જ આતંકવાદીઓએ મંગળવારે સાંજે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સેનાના બે જવાનોનું અપહરણ કરી લીધું હતું. જો કે, આમાંથી એક સૈનિક અપહરણ કર્યા બાદ ભાગવામાં સફળ રહ્યો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ટેરિટોરિયલ આર્મીના જવાનનું આતંકવાદીઓ દ્વારા અનંતનાગના કોકરનાગ વિસ્તારના શાંગાસથી અપહરણ કરવામાં આવ્યું છે. અન્ય એક જવાન આતંકીઓને ચકમો આપીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ત્યાંથી ભાગ્યા બાદ તેણે સેનાને જાણ કરી હતી. સુરક્ષા દળોએ ગુમ થયેલા જવાનની શોધ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 8 ઓક્ટોબરે ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે અહીં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની નવી સરકાર બનવા જઈ રહી છે. હવે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર સામે પણ પડકાર વધશે. હકીકતમાં, પાકિસ્તાન અને પાકિસ્તાન તરફી સંગઠનો ચૂંટણીના સફળ સંચાલનથી ઉશ્કેરાયા છે. આ પછી અહીં આતંકી ગતિવિધિઓમાં ભારે વધારો થવાની સંભાવના છે.
Two jawans of the Territorial Army were abducted by terrorists in the forest area of Anantnag in Jammu and Kashmir. However, one of the jawans has managed to come back. Security forces have launched an operation to search for the missing jawan. More details awaited: Sources
— ANI (@ANI) October 9, 2024
2020માં આતંકવાદીઓએ સૈનિકનું તેના ઘરેથી કર્યું હતું અપહરણ
અગાઉ વર્ષ 2020માં પણ આતંકવાદીઓએ આવું જ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. ત્યારબાદ ટેરિટોરિયલ આર્મીના સૈનિક શાકિર મંજૂર વાગેનું કાશ્મીરમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના પાંચ દિવસ બાદ પરિવારને ઘર પાસે શાકીરના કપડા મળ્યા હતા. આ ઘટના 2 ઓગસ્ટના રોજ બની હતી, જ્યારે 24 વર્ષીય શાકિર વાગે દક્ષિણ કાશ્મીરના શોપિયાંના હરમનમાં તેના ઘર નજીકથી ગુમ થઈ ગયો હતો. શાકિર બકરીદના દિવસે તેના ઘરે ગયો હતો ત્યારે આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું.
1 વર્ષ પછી સૈનિકનો મૃતદેહ મળ્યો
અપહરણની સાથે આતંકવાદીઓએ સૈનિકની કારને પણ સળગાવી દીધી હતી. શાકિર દક્ષિણ કાશ્મીરના બાલાપુરમાં 162-TAમાં પોસ્ટેડ હતો. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો. એક વર્ષ પછી, સપ્ટેમ્બરમાં, શાકિરનો મૃતદેહ કાશ્મીરના કુલગામમાંથી મળ્યો હતો. તપાસ બાદ પોલીસે શાકીરના પરિવારનો સંપર્ક કર્યો. આ દરમિયાન તેના પિતા મંજૂર અહેમદ વાગેએ કહ્યું હતું કે, લાશની ઓળખ કર્યા બાદ જાણવા મળ્યું કે તે તેનો પુત્ર શાકિર હતો. જે એક વર્ષ પહેલા ગુમ થયો હતો.
આ પણ જૂઓ: J&Kમાં કોંગ્રેસ – NC સરકાર બનવાની તૈયારી વચ્ચે BJP નું નામ પણ ચર્ચાએ ચડ્યું, જાણો શું છે મામલો