જમ્મુ-કાશ્મીરઃ આતંકી હુમલામાં પિતા-કાકા ગુમાવનારી શગુન પરિહારે જીતી ચૂંટણી
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં અનેક સીટની ચર્ચા થઈ રહી છે. કેન્દ્રની સત્તાધારી ભાજપે કિશ્તવાડ સીટથી આતંકી હુમલામાં પિતા-કાકા ગુમાવનારી શગુન પરિહારને મેદાનમાં ઉતારી હતી. પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલી શગુને જીત નોંધાવી હતી. તેણે નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર સજ્જાદ અહેમદને 521 વોટથી હરાવ્યા હતા.
કોણ છે શગુન પરિહાર
શગુન ભાજપના દિગ્ગજ નેતા રહેલા અનિલ પરિહારની ભત્રીજી છે. અનિલ જમ્મુ કાશ્મીરમાં ભાજપના સચિવ હતા. નવેમ્બર 2018માં કિશ્તવાડમાં આતંકીએ શગુનના પિતા અજીત પરિહાર અને કાકા અનિલ પરિહારની હત્યા કરી હતી.
ચૂંટણી સભામાં પીએમ મોદીએ ઉલ્લેખ કરીને શું કહ્યું હતું
ડોડા જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કિશ્તવાડની ઉમેદવાર શગુન પરિહારનો ઉલ્લેખ કર્યો હતો. પીએમે કહ્યુ હતું કે, ભાજપે આતંકવાદનો શિકાર બનેલી પુત્રીને ટિકિટ આપી છે. શગુન માત્ર પાર્ટીની ઉમેદવાર જ નથી પરંતુ આતંકવાદને ખતમ કરવાના ભાજપના ઈરાદાની જીવતી જાગતી તસવીર છે.
કિશ્તવાડ સીટથી ભાજપની શગુન પરિહારનો મુકાબલો નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહેમદ કિચલૂ અને પીડીપીના ફિરદૌસ અહમદ ટાક સાથે રહ્યો. 2014ની ચૂંટણીમાં અહીંયા ભાજપના સુનીલ કુમાર શર્માને સફળતા મળી હતી. સુનીલે નેશનલ કોન્ફરન્સના ઉમેદવાદ સજ્જાદ અહેમદ કિચલૂને 2852 વોટથી હરાવ્યા હતા. હવ શગુન પરિહારે નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહેમદ કિચલૂને 521 મતથી હરાવ્યા હતા. શગુન પરિહારને 29053 વોટ મળ્યા હતા, જ્યારે સજ્જાદ અહમદ કિચલૂને 28532 વોટ મળ્યા હતા.
સાંજે 4 વાગ્યા સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 85 બેઠકના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપે 27, નેશનલ કોંગ્રેસ 39, કોંગ્રેસે 6, જેકેપીડીપીએ 4, જેપીસી અને આમ આદમી પાર્ટીએ 1-1 તથા અપક્ષે 7 બેઠક જીતી છે. 5 સીટના પરિણામ જાહેર થવાના બાકી છે.
આ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણી પરિણામઃ જલેબી મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો