ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હરિયાણામાં પાછળ રહેતા કોંગ્રેસનો EC પર ગંભીર આરોપ, કહ્યું: ચૂંટણીપંચની વેબસાઇટ ધીમી

  • ચૂંટણીપંચ જાણી જોઈને ડેટાને ધીમી ગતિએ અપડેટ કરી રહ્યું છે, જેનાથી પરિણામોની પારદર્શિતા પર ખતરો છે: કોંગ્રેસ નેતા

નવી દિલ્હી, 08 ઓક્ટોબર: કોંગ્રેસ પાર્ટીએ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબને લઈને આજે મંગળવારે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, ચૂંટણીપંચ જાણી જોઈને ડેટાને ધીમી ગતિએ અપડેટ કરી રહ્યું છે, જેનાથી પરિણામોની પારદર્શિતા પર ખતરો રહે છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું કે, “ચૂંટણીપંચની વેબસાઈટ પર ધીમી ગતિએ ઈરાદાપૂર્વક ચૂંટણીના વલણો શેર કરવામાં આવી રહ્યા છે. જેનાથી એવી આશંકા વધી રહી છે કે, ભાજપ વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.”

 

કોંગ્રેસ નેતા જયરામ રમેશે શું કહ્યું?

કોંગ્રેસ નેતા જયરામ રમેશે વધુમાં કહ્યું કે, આ પ્રક્રિયા મતદારોના અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતાને અસર કરી રહી છે. જયરામ રમેશે ચૂંટણી પંચને ઝડપથી અને સચોટ પરિણામો શેર કરવા વિનંતી કરી છે, જેથી મતદારો અને જનતાનો વિશ્વાસ જળવાઈ રહે.

આ વલણ બદલાશે: સુપ્રિયા શ્રીનેત

દરમિયાન કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “આ ટ્રેન્ડ બદલાશે. ચૂંટણીપંચની વેબસાઇટ ડેટા અપડેટ નથી કરી રહી. અમારા ડેટામાં કોંગ્રેસ આગળ છે. ચિત્ર બદલાશે.” બીજી તરફ કોંગ્રેસના નેતા પવન ખેડાએ પણ કહ્યું કે, અમે અમારા એજન્ટોને પોતપોતાના મતદાન કેન્દ્ર પર રહેવાની અપીલ કરીએ છીએ.

કંઈક ખોટું છે: કોંગ્રેસ નેતા

હિમાચલ પ્રદેશના મંત્રી અને કોંગ્રેસ નેતા જગત નેગીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, “હરિયાણામાં લોકો છેલ્લા 10 વર્ષથી બીજેપીથી ખુશ ન હતા. જો બીજેપી જીતશે તો તે લોકશાહી માટે કમનસીબી હશે.” નેગીએ ભાજપના આત્મવિશ્વાસ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, “કંઈક ખોટું તો હશે જ, તેથી જ આટલી બધી બાબતો તેમની વિરુદ્ધ હોવા છતાં, ભાજપના લોકો આટલા આત્મવિશ્વાસમાં દેખાઈ રહ્યા છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ઘણા પ્રકારની ખામીઓ છે. EVM બદલવું કે તેની અંદર કંઈક કરવું એ તપાસનો વિષય છે.”

હરિયાણાના વલણમાં ભાજપ આગળ

 

ઉલ્લેખનીય છે કે, હરિયાણા ચૂંટણીના અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપને સતત લીડ મળતી જોવા મળી રહી છે. ભાજપ 47 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 36 બેઠકો પર આગળ છે. આ સિવાય INLD બે અને અન્ય પાંચ સીટો પર આગળ છે. અત્યાર સુધીના વલણો મુજબ, ભાજપ 50 બેઠકો પર આગળ છે અને જો આ વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે, તો તે રાજ્યના ચૂંટણી ઇતિહાસમાં પક્ષનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હશે.

આ પણ જૂઓ: હરિયાણામાં AAPની ખરાબ સ્થિતિ પર સ્વાતિ માલિવાલની તીખી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Back to top button