દિલ્હીમાંથી ઝડપાયેલા 500 કિલો કોકેઈન કેસના મુખ્ય આરોપીનું કોંગ્રેસ કનેકશન આવ્યું સામે
નવી દિલ્હી, તા. 8 ઓક્ટોબરઃ દિલ્હીની સ્પેશિયલ સેલ પોલીસે ગત મંગળવારે 2000 કરોડથી વધારે કિંમતનું 500 કિલો કોકેઈન જપ્ત કર્યુ હતું. જેને દિલ્હી અને ઉત્તર ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ ખેપ કહેવામાં આવે છે. જપ્ત કરવામાં આવેલું કોકેઇન દક્ષિણ અમેરિકાથી મંગાવાયું હતું. આ કેસમાં દિલ્હી પોલીસે મહિપાલપુરથી ચાર વ્યક્તિને ઝડપ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ દિલ્હીના તુષાર ગોયલ, હિમાંશુ કુમાર, ઔરંગઝેબ સિદ્દીકી અને મુંબઈના ભરત જૈન તરીકે થઈ હતી.
કોણ છે તુષાર ગોયલ
તુષાર ગોયલ દિલ્હી કોંગ્રેસમાં આરટીઆઈ સેલનો પ્રમુખ છે. ડ્રગ્સનું કનેકશન સામે આવતાં જ રાજકીય સનસની મચી ગઈ છે. લોકો કોંગ્રેસ પાસે ખુલાસો માંગવા સહિત એવો પણ સવાલ કરી રહ્યા છે કે શું ચૂંટણી દરમિયાન નશાના કારોબારથી મેળવેલા પૈસાનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો? આ મુદ્દાને લઈ ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે.
ડ્રગ સિંડિકેટનો મુખ્ય આરોપી અને કિંગપિન તુષાર ગોયલ છે. ગોયલ ઉપરાંત તેના 3 સાથીઓની ઓપરેશનમાં અલગ અલગ ભૂમિકા નીભાવી છે. ગોયલના અંગરક્ષક હિમાંશુ કુમારે કાર્ટેલના પ્રવર્તક તરીકે કામ કર્યું. ગ્રાહકોને ડરાવવા-ધમકાવા અને ડ્રગ ડિલીવરી સુનિશ્ચિત કરવાનું કામ કર્યું. ગોયલના ડ્રાયવર તરીકે કામ કરતા ઔરંગઝેબ સિદ્દીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. જેનાથી ડ્રગ્સનું સુરક્ષિત પરિવહન થયું હતું. મુંબઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા ભરતકુમાર જૈને મુંબઈમાં કાર્ટેલના સંચાલનમાં મદદ કરી હતી અને ડ્રગ્સ વિતરણ કરવામાં ગોયલ સાથે મળીને કામ કર્યુ હતું.
પોલીસ ત્રણ મહિનાથી નજર રાખી રહી હતી
દિલ્હી પોલીસ આ મામલે 3 મહિનાથી સખત મહેનત કરી રહી હતી. ઘણા ઈનપુટની તપાસ કરવામાં આવી રહી હતી. ઘણા લોકો પર નજર રાખવામાં આવી રહી હતી. પોલીસની મહેનત રંગ લાવી અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલરના મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. તુષાર દિલ્હીમાં આ મોડ્યુલનો લીડર છે.
40 કિલો ગાંજો પણ મળ્યો હતો
ગોડાઉન પર દરોડા દરમિયાન પોલીસને અંદાજ કરતા વધુ માત્રામાં ગાંજો મળ્યો હતો. પોલીસે 40 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો પણ જપ્ત કર્યો હતો. જેનું અંદાજિત બજાર મૂલ્ય 60 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આ નશીલો પદાર્થ પુસ્તકો વચ્ચે ડબ્બામાં છુપાવાયો હતો.
આ પણ વાંચોઃ જો નોમિની જાહેર કર્યા વગર ખાતાધારકનું મૃત્યુ થાય તો પૈસા કોને મળે?