કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કચ્છમાં રૂ. 120 કરોડની કિંમતનું 12 કિલો કોકેઈન ઝડપાયું, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

કચ્છ, તા.7 ઓક્ટોબર, 2024: ગુજરાતમાંથી નશીલા પદાર્થ ઝડપાવાનો ક્રમ શરૂ જ છે. કચ્છમાંથી 120 કરોડની કિંમતનું 12 કિલો કોકેઈન ઝડપાયું છે. પોલીસે મળેલી બાતમીના આધારે સરક્રીક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રવિવારે રાત્રે કોકોઈનના 10 બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ. 120 કરોડ છે.

પૂર્વ કચ્છના એસપી સાગર બાગમરના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને ખારીરોહર સીમમાં આવેલા તળાવ નજીક બાવળની ઝાડી નીચે બિનવારસી હાલતમાં 10 પેકેટ કોકેઈનના મળી આવ્યા હતા. જેમાં અંદાજિત 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેઈન ઝડપ્યું છે. અહીંથી સમુદ્રની ખાડી માત્ર દોઢેક કિલોમીટર દૂર છે. તેથી કોઈ દાણચોરો દ્વારા તેને લાવવામાં આવ્યું હોઈ શકે છે.

એક વર્ષમાં ત્રીજી વખત ઝડપાયું કોકેઈન

આ પહેલા ગત વર્ષે 28 સપ્ટેમ્બર 2023ના રોજ ગાંધીધામ પોલીસે અહીંથી થોડે દૂર મીઠીરોહર સીમમાંથી 800 કરોડની કિંમતનું 80 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. આ વર્ષે 4 જૂન 2024ના રોજ ખારીરોહરથી કંડલા જતાં માર્ગ પર HPCL પાઈપલાઈન નજીક બાવળની ઝાડીમાંથી ગુજરાત ATSએ પણ બિનવારસી હાલતમાં પડેલું 13 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. આમ, છેલ્લાં એક વર્ષમાં ત્રણ વખત એક જ પટ્ટામાંથી અંદાજિત 105 કિલોગ્રામ કોકેઈનના પેકેટ કબજે કરાયાં છે. જોકે એકપણ કિસ્સામાં આ પેકેટ અહીં કોણ નાખી ગયું તે જાણી શકાયું નથી.

શક્તિસિંહ ગોહિલે સરકાર પર ઉઠાવ્યા સવાલ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કચ્છમાંથી ડ્રગ્સ મળવાની ઘટનાને લઇને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ગુજરાતના કચ્છ જિલ્લામાં 12 કિલોગ્રામ કોકીનથી ભરેલા 10 પેકેટ મળ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 120 કરોડ રૂપિયા છે. યુવાઓને બરબાદ કરનાર કોકીન સતત ગુજરાતમાં મળે છે. ભાજપ સરકારને ચિંતા નથી. શું તેનો વિકાસ કરવાના ભાજપે શપથ લીધા છે?


આ પણ વાંચો બિહારના રાજકારણમાં હડકંપ, ભાજપે તેજસ્વી યાદવ પર લગાવ્યો ચોરીનો આરોપ

Back to top button