7 ઑક્ટોબરે શાસક તરીકે નરેન્દ્ર મોદીના ૨૩ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સરકાર ઉજવણી કરશે
- દર વર્ષે ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકના નિર્ણય
- વિકાસ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં જનભાગીદારી જોડીને વિવિધ આયોજનો હાથ ધરાશે
ગાંધીનગર, 6 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને સોમવાર તા. ૭ ઓક્ટોબર ૨૦૨૪ના ૨૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધીની ગ્લોબલ ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી ઉજાગર કરવા દર વર્ષે તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના આ વૈશ્વિક અને બહુમુખી વિકાસ માટે આપેલા યોગદાનનો ઋણસ્વીકાર કર્યો હતો. ગુજરાતની આ સર્વાંગી વિકાસ યાત્રાને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી દ્વારા મળી રહેલા સતત માર્ગદર્શન માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો અને ૨૦૦૧થી ૨૩ વર્ષ સુધી તેમની પ્રેરણાથી ગુજરાતે વિકાસ અને સુશાસનના જે નવા સીમચિહ્નો અંકિત કર્યા છે તેની ઉજવણી દર વર્ષે વિકાસ સપ્તાહથી કરવાનો નિર્ણય કર્યો હતો.
આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ સાથે યોજાનારા કાર્યક્રમોની વિસ્તૃત ભૂમિકા રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ વિકાસ સપ્તાહની ઉજવણીમાં સૌ ગુજરાતીઓને જોડીને રાજ્યના લાંબાગાળાના અને સસ્ટેનેબલ ડેવલ્પમેન્ટ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાવાના છે તેમાં જે-તે સ્થળના સ્થાનિક કલાકારોની પ્રસ્તુતિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ‘વિકાસ સપ્તાહ’ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા પર નાગરિકો નરેન્દ્રભાઈ મોદીની સુશાસન પહેલો અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકશે.
ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ૨૩ વર્ષના સુશાસનમાં વિકાસ કામોથી પ્રસિદ્ધ એવા વિવિધ જિલ્લાઓ-શહેરોના ૨૩ જેટલા આઈકોનિક પ્લેસ પર વિકાસ પદયાત્રા દ્વારા રાજ્યના વિકાસમાં નરેન્દ્રભાઈ મોદીના મહત્વપૂર્ણ યોગદાનથી લોકોને સુપરિચિત કરાશે.
આરોગ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, સુરત ડાયમન્ડ બુર્સ, નડાબેટ, પાવાગઢ, શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ, સ્મૃતિવન, અંબાજી, દ્વારકા સુદર્શન બ્રિજ અને પાલ દઢવાવના આદિવાસી શહીદ સ્મારક સહિતના સ્થળોઓએ આવી વિકાસ પદયાત્રા યોજાશે.
તેમણે વધુમાં કહ્યું કે, આ વિકાસ સપ્તાહમાં વિદ્યાર્થીઓ અને યુવા શક્તિને પણ જોડવાના બહુઆયામી આયોજનો અંતર્ગત શાળા-કોલેજોમાં વિકાસ થીમ આધારિત નિબંધ સ્પર્ધાઓ પણ યોજાશે. એટલું જ નહિ, વિકાસમાં લોકોની સહભાગિતા માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવલો પર વૉલ પેઈન્ટિંગથી ૨૩ વર્ષની વિવિધ ક્ષેત્રોની વિકાસયાત્રાની ઝાંખી પ્રસ્તુત કરાશે. આ ઉપરાંત રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ પણ કરવામાં આવશે.
આ ઉપરાંત સમગ્ર રાજયમાં રૂપિયા ત્રણ હજાર પાંચસો કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન કરવામાં આવશે. ઋષિકેશભાઈ પટેલે કહ્યુ કે, વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કેવી ગતિનો હોય અને જનભાગીદારીને વિકાસમાં જોડીને વિકાસની રાજનીતિથી કેવા ઉત્કૃષ્ટ પરિણામો મેળવી શકાય તેનું ઉત્તમ દ્રષ્ટાંત નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ દરમિયાન ગુજરાતના સર્વગ્રાહી વિકાસથી પૂરું પાડ્યું છે. આ ૨૩ વર્ષની સુદીર્ઘ વિકાસ યાત્રાને આવનારા વર્ષોમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં હજુ વધુ તેજ ગતિએ આગળ ધપાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકારે દર વર્ષે આવા વિકાસ સપ્તાહ ઉજવવાની નેમ રાખી છે.
આ પણ વાંચો :- રાજ્યના 60 હજારથી વધુ સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત