મહિલા T20 વર્લ્ડ કપ : ભારત વિરૂદ્ધ પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ લીધી
દુબઈ, 6 ઓક્ટોબર : ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં, ભારતીય ટીમ ગ્રુપ Aની તેની બીજી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ હાઈ વોલ્ટેજ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં છે. મેચમાં પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે આજે ભારત ફરી એકવાર બોલિંગ કરવા મેદાનમાં ઉતરશે.
આ મેચ માટે બંને ટીમોમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતે તેના પ્લેઇંગ-11માં ઓલરાઉન્ડર સજના સજીવનનો સમાવેશ કર્યો હતો. સજનાએ પૂજા વસ્ત્રાકરનું સ્થાન લીધું છે, જેને સામાન્ય ઈજા થઈ હતી. બીજી તરફ પાકિસ્તાનની પ્લેઈંગ-11માં ઓલરાઉન્ડર સૈયદા અરુબ શાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સૈયદાએ ઝડપી બોલર ડાયના બેગની જગ્યા લીધી, જે શ્રીલંકા સામેની મેચમાં ઈજાગ્રસ્ત થઈ હતી.
પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ શાનદાર છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 15 મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી ભારતે 12માં જીત મેળવી છે. આ પહેલા બંને વચ્ચે છેલ્લી મેચ આ વર્ષે મહિલા એશિયા કપ 2024માં રમાઈ હતી, જેમાં ભારતનો સાત વિકેટે વિજય થયો હતો. જો જોવામાં આવે તો મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સાત મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 5 મેચ અને પાકિસ્તાને બે મેચ જીતી હતી.
ભારતની પ્લેઈંગ-11: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, સજના સજીવન, શ્રેયંકા પાટિલ, આશા શોભના, રેણુકા ઠાકુર સિંહ.
પાકિસ્તાનની પ્લેઈંગ-11: મુનીબા અલી (વિકેટકીપર), ગુલ ફિરોઝ, સિદરા અમીન, નિદા દાર, આલિયા રિયાઝ, ઓમાઈમા સોહેલ, ફાતિમા સના (કેપ્ટન), તુબા હસન, નશરા સંધુ, સૈયદા અરુબ શાહ, સાદિયા ઈકબાલ.
આ પણ વાંચો :- નાત, જાત, ભાષા અને ક્ષેત્રવાદ છોડી સંગઠિત રહેવું પડશેઃ જાણો સરસંઘચાલક મોહન ભાગવતે આવું ક્યાં અને કેમ કહ્યું?