પીએમ મોદીનું મંદિર બનાવનારા સમર્થકે ભાજપ સાથે ફાડ્યો છેડો, જાણો વિગત
મુંબઈ, તા. 5 ઓક્ટોબરઃ મહારાષ્ટ્રના પુણેમાં પીએમ મોદીનું મંદિર બનાવનારા સમર્થકે ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો છે. જેને લઈ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપની મુશ્કેલી વધી શકે છે. પુણેના શિવાજીનગરના ધારાસભ્ય પર પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓની અવગણના કરવાનો આરોપ લાગ્યો છે. બીજેપી કાર્યકર્તા અને શ્રી નમો ફાઉન્ડેશનના મયૂર મુંડેએ શિવાજીનગરના ધારાસભ્ય સિદ્ધાર્થ શિરોલે પર ગંભીર આરોપ લગાવવાની સાથે ભાજપને અલવિદા કહી દીધું છે.
મુંડએ 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું હતું. તેણે કહ્યું કે, હું વર્ષોથી પાર્ટી માટે વફાદારીથી કામ કરી રહ્યો છું. મેં વિવિધ પદો પર ઈમાનદારીથી કામ કર્યુ છે. પરંતુ ભાજપ તેના વફાદાર કાર્યકર્તાઓની અવગણના કરી રહી છે અને પક્ષ પલટુઓને પ્રોત્સાહન આપી રહી છે.
જૂના અને વફાદાર કાર્યકર્તાઓનું થઈ રહ્યું છે અપમાન
મુંડેએ આરોપ લગાવ્યો કે, ધારાસભ્ય પોતાનો સમર્થન આધાર મજબૂત કરવા માટે તેમના માનીતાઓને સંગઠનમાં સ્થાન આપી રહ્યા છે. પક્ષ પલટો કરીને આવતાં લોકોની પાર્ટીમાં વિવિધ પદો પર નિમણૂક કરવામાં આવી રહી છે. જૂના અને વફાદાર કાર્યકર્તાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેમને પાર્ટીની બેઠકમાં પણ બોલાવવામાં આવતા નથી કે તેમનો અભિપ્રાય પણ નથી લેતા. તેમજ ચૂંટણી પ્રક્રિયામાં પણ સામેલ નથી કરતાં.
પક્ષ પલટુઓના થાય છે કામ
મુંડએ એવો પણ આરોપ લગાવ્યો કે, ધારાસભ્ય પક્ષ પલટો કરીને આવતાં લોકોના વિસ્તારમાં ભંડોળનો ઉપયોગ કરે છે પરંતુ વફાદાર કાર્યકર્તાઓના વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં શિવાજીનગર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય ન તો કોઈ ભંડોળ લાવ્યા છે કે ન તો કોઈ યોજના લાગુ કરવાનો પ્રયાસ કર્યો છે. જેનાથી આ વિસ્તારનો વિકાસ ઠપ થઈ ગયો છે.
પીએમ મોદીને મોકલી રાજીનામાની નકલ
મુંડેએ આગળ કહ્યું કે, હું પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. હું પીએમ મોદીનો કટ્ટર સમર્થનક છું અને તેમની માટે કામ કર્યું. પરંતુ પાર્ટીમાં અમારા જેવા લોકો માટે કોઈ જગ્યા નથી, તેથી હું પાર્ટી છોડી રહ્યો છું. મેં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા રાષ્ટ્રીય, રાજ્ય અને શહેર ભાજપ પ્રમુખોને મારા રાજીનામાની નકલ મોકલી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં દુબઈની તર્જ પર યોજાશે શોપિંગ ફેસ્ટિવલ, આ તારીખથી થશે શરૂઆત