વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવાની માંગ કરતી અરજી ફગાવી દેવાઈ
- હાઈકોર્ટમાં કરેલી જાહેરહિતની અરજી બેઠકના મતદારે કરી હતી
અમદાવાદ, 4 ઓક્ટોબર : ગુજરાત હાઇકોર્ટે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવાની માંગ કરતી જાહેરહિતની અરજી ફગાવી દીધી છે. વિસાવદર વિધાનસભા બેઠકના મતદાર કૈલાસ સાવલિયાએ હાઇકોર્ટમાં આ PIL કરી હતી.
અરજદારે જાહેરહિતની અરજીમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વર્ષ 2027માં યોજાનાર છે. ત્યાં સુધી વિસાવદરને ધારાસભ્ય વિહીન રાખી શકાય નહીં. હાઇકોર્ટમાં વર્ષ 2022 યોજાયેલી ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી હારેલા ઉમેદવારે જીતેલા ઉમેદવારની જીતને પડકારી હતી. જેની ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોવાથી ચૂંટણી યોજાતી નથી.
આ અંગે અરજદારે અરજીમાં જણાવ્યું હતું કે પિટિશન કરનાર કાયદાનો લાભ લઈ જાય ત્યાં સુધી પ્રતિનિધિત્વ ન થઈ શકે તેવી સ્થિતિ ઉદ્ભવી છે, માટે ચૂંટણી પંચ વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજે તેવી માંગ કરી હતી. હાઇકોર્ટે અરજદારની આ જાહેરહિતની અરજી ફગાવતા કહ્યું કે વિસાવદર વિધાનસભા બેઠક પર 2022 યોજાયેલી ચૂંટણીમાં હારેલા ઉમેદવારે જીતેલા ઉમેદવારની જીતને પડકારી હતી અને આ પિટિશન હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.
ઇલેક્શન પિટિશન હાઇકોર્ટમાં પડતર હોવા પર ચૂંટણી પંચનો કોઈ કંટ્રોલ નથી. ઇલેક્શન પિટિશન ઝડપી ચાલે તે જોવાની જવાબદારી પિટિશન કરનાર અરજદારની છે. કાયદાકીય પ્રક્રિયા અંગે લાભ અને ગેરલાભ લેવાતા હોવાની બાબત હાઇકોર્ટે પોતાના મૌખિક અવલોકનમાં નોંધી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત્યા હતા. જેની જીતને ભાજપના હર્ષદ રીબડીયા ઉપરાંત અન્ય એક ઉમેદવાર મોહિત માલવિયાએ હાઇકોર્ટમાં પડકારી હતી.
બાદમાં ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. જેથી વિસાવદર વિધાનસભા ઉપર ધારાસભ્ય પદ ખાલી પડ્યું હતું. ગત લોકસભાની ચૂંટણી સાથે વિસાવદર વિધાનસભા ઉપર પેટા ચૂંટણી જાહેર થવાની હતી. વિસાવદર ચૂંટણીને લઈને આશરે ત્રણ જેટલી પિટિશન હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાથી ચૂંટણી પંચે પેટાચૂંટણી જાહેર કરી ન હતી.
આ પણ વાંચો :- કચ્છના ચાડવા રખાલમાં નિર્માણ થશે કેરેકલ-હેણોતરો બ્રિડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર