મહિલા T20 વર્લ્ડકપમાં આજે ભારત કરશે શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે છે મુકાબલો
દુબઈ, તા.4 ઓક્ટોબરઃ આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય ટીમ આજે અભિયાનની શરૂઆત કરશે. ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો મુકાબલો થશે. ભારતીય ટીમની કેપ્ટનશિપ હરમનપ્રીત કૌર કરી રહી છે. ભારત અને પાકિસ્તાનના મુકાબલો 6 ઓક્ટોબરે થશે.
ભારતીય ટીમનો દારોમદાર હરમનપ્રીત, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા અને દીપ્તિ શર્માના દેખાવ પર રહેશે. શેફાલી અને મંધાના હાલ શાનદાર ફોર્મમાં છે. તેમણે એશિયા કપમાં શાનદાર દેખાવ કર્યો હતો. જોકે ભારત ફાઈનલમાં શ્રીલંકા સામે હારી ગયું હતું.
સ્પિનર્સ પર રહેશે આધાર
યુએઈની ટર્ન લેતી પિચો પર ભારતના સ્પિનરોને મદદ મળી શકે છે. સ્પિનર્સ હંમેશા ભારતના મુખ્ય હથિયાર રહ્યા છે. ટીમની પેસર રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર અને અરુંધતિ રેડ્ડી પણ ધીમી પિચ પર ચુસ્ત બોલિંગ કરી શકે છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ માત્ર 2 મીડિયમ પેસર સાથે ઉતરી શકે છે. ટીમનું મુખ્ય ફોક્સ સ્પિનરો પર રહેશે. ભારત પાસે સ્પિન એટેકમાં ઘણી વિવિધતા છે. સ્પિન એટેકની જવાબદારી ઓફ સ્પિનર દીપ્તિ અને શ્રેયંકા પાટિલ, લેગ સ્પિનર આશા શોભના તથા ડાબોડી સ્પિનર રાધા યાદવ સંભાળશે.
ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, ઋચા ઘોષ, યસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, ડી હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, સંજના સજીવન. રિઝર્વ ખેલાડીઃ ઉમા છેત્રી, તનુજા કંવર, સાઈમા ઠાકોર
What does it mean playing the #T20WorldCup 2024? 🤔#TeamIndia answers 👌👌 – By @ameyatilak
WATCH 🎥🔽 #WomenInBluehttps://t.co/myp0WPmKNr
— BCCI Women (@BCCIWomen) October 3, 2024
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારત-ન્યૂઝીલેન્ડનો મુકાબલો ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકથી શરૂ થશે. મહિલા ટી20 વર્લ્ડકપનું ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટર્વકની ચેનલ્સ પર જોઈ શકાશે. જ્યારે લાઇવ સ્ટ્રિમિંગ ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર પર જોઈ શકાશે.
ભારત કયા ગ્રુપમાં છે
મહિલા ટી20 વર્લ્ડકપમાં 10 ટીમોને એ અને બી ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ એમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા છે. જ્યારે ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ છે.
આ પણ વાંચોઃ હિન્દુ મહાસભાના બંધના એલાન વચ્ચે દોઢ દાયકા બાદ આ મેદાનમાં રમાશે IND vs BAN T20 ઈન્ટરનેશનલ મેચ