ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UP : મિર્ઝાપુરમાં ભયંકર અકસ્માત, ટ્રક – ટ્રેક્ટર અથડાતાં 10ના મૃત્યુ

મિર્ઝાપુર, 4 ઓક્ટોબર : ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. કાછવા પોલીસ સ્ટેશન વિસ્તારના કટકા પડાવ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં 10 મજૂરોના મૃત્યુ થયા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે વારાણસીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મજૂરો વારાણસીના રહેવાસી હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુર્ઘટના સમયે ટ્રેક્ટર-ટ્રોલીમાં લગભગ 13 મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. તમામ મજૂરો ઔરાઈના તિવારી ગામમાંથી કાસ્ટિંગ કરીને પાછા વારાણસી પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત મોડી રાત 12.30 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. આ અકસ્માતની માહિતી મળતાં જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.  માર્ગ અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ વારાણસી-પ્રયાગરાજ હાઈવે બ્લોક કરી દીધો હતો. વહીવટીતંત્ર નારાજ લોકોને મનાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે.

ટ્રકે પહેલા બાઇકને ટક્કર મારી હતી

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ઝડપભેર ટ્રકે પહેલા બાઇકને ટક્કર મારી હતી. આ પછી ટ્રકે કાબુ ગુમાવ્યો અને ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ટ્રોલી કૂદીને નાળામાં પડી હતી સાથે જ ટ્રક પણ નાળામાં પડી ગઈ હતી.  અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી અને આસપાસના લોકોએ બધાને બચાવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો :- યુવાનોને રોજગાર માટે કેન્દ્ર સરકારે જાહેર કરી નવી યોજના, દર મહિને મળશે રૂ.5 હજાર, જાણો શું છે

બનાવ અંગે સીઓ અમર સિંહે જણાવ્યું કે પોલીસને રાત્રે લગભગ 12.30 વાગ્યે અકસ્માતની માહિતી મળી હતી. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તમામને બહાર કાઢ્યા હતા આ પછી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને અકસ્માતમાં ઘાયલ લોકોને વારાણસી રીફર કરવામાં આવ્યા હતા. તમામ મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલવામાં આવ્યા હતા.

મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા

એસપી અભિનંદને જણાવ્યું કે ટ્રકે પાછળથી ટ્રેક્ટર ટ્રોલીને ટક્કર મારી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલવામાં આવ્યા હતા. ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ટ્રક કબજે લેવામાં આવી હતી. આ મામલે FIR પણ દાખલ કરવામાં આવી છે. ઘાયલોને વારાણસીના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષકે પણ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

Back to top button