લમ્પી વાયરસના કહેર વચ્ચે કામધેનુ યુનિવર્સિટીના વેટનરી ડોક્ટરોની હડતાલ
પાલનપુરના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા ઇન્ટર્નશીપ ડોક્ટરોને બીજા રાજ્યોની સરખામણીમાં ઘણું ઓછું ભથ્થુ એટલે કે રૂપિયા 4200 જેટલું ચૂકવવાના મુદ્દે વિદ્યાર્થીઓ શરૂ કરેલી લડત હવે આક્રમક બનતી જાય છે.
વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અને ક્લિનિકલ કામનો બહિષ્કાર કર્યો
વેટરનરી કોલેજના કોલેજના વિદ્યાર્થીઓએ મંગળવારથી અનિશ્ચિતકાલીન હડતાલ શરૂ કરી છે. કામધેનુ યુનિવર્સિટીની આણંદ સહિતની ચારે કોલેજના ઇન્ટર્નશીપના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અને ક્લિનિકલ કામનો બહિષ્કાર કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસના કહેર વચ્ચે ડોકટરો હડતાલમાં જોડાયા છે. જો થોડા સમયમાં જ ભથ્થુ રૂપિયા 4200 થી વધારીને 18,000 નહીં કરાય તો વધુ આક્રમક પગલાં ભરવા મજબૂર થવાની ચીમકી આપી છે.ઇન્ટર્નશીપના વિદ્યાર્થીઓએ કોલેજ સંકુલમાંથી જ રેલી કાઢી સૂત્રોચાર કર્યા હતા. અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પશુચિકિત્સક અને પશુપાલન મહાવિદ્યાલય ખાતે સૂત્રોચાર અને બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ હાલના ભથ્થામાં વધારો કરીને જ્યાં સુધી આ અંગે સરકાર તરફથી લેખિત બાંહેધરી ન અપાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે કે, કામધેનુ યુનિવર્સિટીની દાંતીવાડા વેટનરી કોલેજ,આણંદ વેટનરી કોલેજ તેમજ જુનાગઢ, નવસારીમાં કાર્યરત વેટનરી કોલેજના વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશીપ ભથ્થામાં વધારો કરવા માટે દોઢ વર્ષથી રજૂઆત કરી છે.