ગુજરાતટોપ ન્યૂઝનેશનલહેલ્થ

પાણી નહીં ‘ઝેર’ પી રહ્યા છે આપણે! દેશભરમાંથી આવ્યો ડરામણો આંક

Text To Speech

જીવિત રહેવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં 66% પાણી હોય છે. આપણા મગજમાં  75% પાણી, આપણા હાડકાં 25% અને આપણા લોહીમાં 83% પાણી હોય છે. વ્યક્તિ ખોરાક વિના એક મહિના સુધી જીવી શકે છે. પરંતુ પાણી વિના માત્ર એક અઠવાડિયા સુધી. એક વ્યક્તિ તેના સમગ્ર જીવનમાં સરેરાશ 75,000 લીટર પાણી પીવે છે. સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ શું આ પાણી ખરેખર આપણને સ્વસ્થ બનાવે છે? જો કે આ પ્રશ્નનો જવાબ કદાચ ‘ના’ છે.

ખરેખર આપણે પાણી પીએ છીએ?

આજના સમયમાં આપણે જે પાણી પી રહ્યા છીએ તે ઝેર સમાન છે. આ વાતને સરકારે સંસદમાં સ્વીકારી લીધી છે. રાજ્યસભામાં સરકારે આપેલા આંકડા ચોંકાવનારા જ નહીં ડરાવનારા પણ છે. આ આંકડાઓ ડરાવે છે કે આપણે અત્યાર સુધી જે પાણી પીતા આવ્યા છીએ તે ‘ઝેરી’ છે. કારણ કે દેશના લગભગ તમામ રાજ્યોના મોટાભાગના જિલ્લાઓ એવા છે, જ્યાં ભૂગર્ભ જળમાં ઝેરી ધાતુઓનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું છે.

25 રાજ્યોના 209 જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂગર્ભ જળમાં આર્સેનિકનું પ્રમાણ 0.01 મિલિગ્રામ પ્રતિ લિટરથી વધુ છે.

29 રાજ્યોના 491 જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂગર્ભ જળમાં આયરનનું પ્રમાણ 1 મિલિગ્રામ પ્રતિ લિટરથી વધુ છે.

21 રાજ્યોમાં 176 જિલ્લાઓ છે, જ્યાં ભૂગર્ભ જળના કેટલાક ભાગોમાં નિર્ધારિત ધોરણ 0.01 મિલિગ્રામ પ્રતિ લિટર કરતાં સીસું વધુ છે.

11 રાજ્યોના 29 જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂગર્ભ જળમાં કેડમિયમનું પ્રમાણ 0.003 મિલિગ્રામ પ્રતિ લિટરથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

16 રાજ્યોના 62 જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂગર્ભ જળમાં ક્રોમિયમનું પ્રમાણ 0.05 મિલિગ્રામ પ્રતિ લિટરથી વધુ છે.

તે જ સમયે, 18 રાજ્યોમાં 152 જિલ્લાઓ એવા છે જ્યાં કેટલાક ભાગોમાં ભૂગર્ભ જળમાં યુરેનિયમ 0.03 મિલિગ્રામ પ્રતિ લિટરથી વધુ જોવા મળ્યું છે.

80% વસ્તીને ઝેરી પાણી!

જળ શક્તિ મંત્રાલયના એક દસ્તાવેજ અનુસાર દેશની 80 ટકાથી વધુ વસ્તી ભૂગર્ભ જળમાંથી પાણી મેળવે છે. તેથી જો ભૂગર્ભ જળમાં જોખમી ધાતુઓનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં વધી જાય તો તેનો અર્થ એ છે કે પાણી ‘ઝેરી’ બની રહ્યું છે.

રાજ્યસભામાં સરકારે એવા રહેણાંક વિસ્તારોની સંખ્યા પણ આપી છે જ્યાં પીવાના પાણીના સ્ત્રોત પ્રદૂષિત થયા છે. આ મુજબ 671 વિસ્તારો ફ્લોરાઈડથી, 814 વિસ્તાર આર્સેનિકથી, 14079 વિસ્તારો આયરનથી, 9930 વિસ્તારો ખારાશથી, 517 વિસ્તારો નાઈટ્રેટથી અને 111 વિસ્તારો ભારે ધાતુઓથી પ્રભાવિત છે.

શહેરો કરતાં ગામડાઓમાં સમસ્યા વધુ ગંભીર છે. કારણ કે ભારતની અડધાથી વધુ વસ્તી ગામડાઓમાં રહે છે. અહીં પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત પણ હેન્ડપંપ, કૂવા કે નદી-તળાવ છે. અહીં પાણી સીધું ભૂગર્ભ જળમાંથી આવે છે. આ સિવાય ગામડાઓમાં સામાન્ય રીતે આ પાણીને સાફ કરવાની કોઈ રીત નથી. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને ઝેરી પાણી પીવાની ફરજ પડી રહી છે.

આરોગ્ય માટે કેટલું જોખમી છે આ પાણી?

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિ દરરોજ સરેરાશ 3 લિટર પાણી પીવે છે. જો કે સરકારી દસ્તાવેજો અનુસાર સ્વસ્થ રહેવા માટે દરરોજ ઓછામાં ઓછું 2 લિટર પાણી પીવું જોઈએ. જો તમે રોજનું 2 લીટર પાણી પણ પીતા હોવ તો થોડી માત્રામાં ઝેર પણ આવી રહ્યું છે. ભૂગર્ભજળમાં આર્સેનિક, આયર્ન, સીસું, કેડમિયમ, ક્રોમિયમ અને યુરેનિયમનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં વધી ગયું છે તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.

આંકડાઓ શું કહે છે?

વધારે આર્સેનિક એટલે ચામડીના રોગો અને કેન્સરનું જોખમ વધે છે.

વધારે આયરનનો અર્થ અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવા ચેતાતંત્રને લગતા રોગો થઈ શકે છે.

પાણીમાં સીસાની વધુ માત્રા આપણી ચેતાતંત્રને અસર કરી શકે છે.

કેડમિયમનું ઉચ્ચ સ્તર કિડનીના રોગોનું જોખમ વધારે છે.

ક્રોમિયમની વધુ માત્રા નાના આંતરડામાં ફેલાયેલા હાયપરપ્લાસિયાનું કારણ બની શકે છે, જે ગાંઠોનું જોખમ વધારે છે.

પીવાના પાણીમાં યુરેનિયમનું વધુ પ્રમાણ કિડનીના રોગો અને કેન્સરનું જોખમ વધારે છે.

‘ઝેર’ પીવાનું બંધ કરવા સરકાર શું કરી રહી છે?

કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું કે પાણી રાજ્યનો વિષય છે. તેથી લોકોને પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી જે તે રાજ્યોની છે. જો કે કેન્દ્ર સરકાર પીવાનું શુદ્ધ પાણી આપવા માટે પણ અનેક યોજનાઓ ચલાવી રહી છે.

21 જુલાઈના રોજ સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે જલ જીવન મિશન ઓગસ્ટ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 2024 સુધીમાં દરેક ગ્રામીણ ઘરોમાં નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. સરકારના જવાબ મુજબ અત્યાર સુધીમાં દેશના 19.15 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી 9.81 કરોડ પરિવારોને નળનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર 2021માં AMRUT 2.0 યોજના શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આગામી 5 વર્ષમાં એટલે કે 2026 સુધીમાં તમામ શહેરોને નળમાં પાણી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

Back to top button