અનંત અંબાણી અડધી રાતે ઠાકરે અને શિંદેને મળ્યા, શું રંધાઈ રહ્યું છે મહારાષ્ટ્રમાં?
મુંબઈ, 2 ઑક્ટોબર, 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત ગમે તે દિવસે થઈ શકે તેમ છે ત્યારે મુંબઈથી જે સમાચાર મળી રહ્યા છે તેણે માત્ર રાજકારણીઓ જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોને પણ ચોંકાવી દીધા છે.
ભારતના ચૂંટણીપંચના અધ્યક્ષ સહિત પંચના તમામ સભ્યોએ હજુ બે દિવસ પહેલાં જ મહારાષ્ટ્રની મુલાકાત લઈને રાજ્યમાં ચૂંટણી માટેની તૈયારીની સમીક્ષા કર્યા બાદ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, પંચ થોડા દિવસમાં જ વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે.
પંચની આ જાહેરાતને પગલે મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિ ઝડપી બની ગઈ છે, પરંતુ આજે જે સમાચાર મળી રહ્યા છે તે અસાધારણ અને ચોંકાવનારા છે.
મળતા અહેવાલ મુજબ અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણી મંગળવારે મોડી રાત્રે (Anant Ambani meeting with Uddhav Thakre and Ekneth Shinde) આ રાજકીય ગતિવિધિનું કેન્દ્ર હતા. કહેવાય છે કે, અનંત અંબાણીએ ગઈકાલે મધ્યરાત્રિએ સૌપહેલાં માતોશ્રી પહોંચીને ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ સીએમ હાઉસ પહોંચીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી.
અનંત અંબાણીએ શિવસેનાના આ બંને જૂથના નેતાઓ સાથે શા માટે મુલાકાત કરી અને તેમની વચ્ચે શું વાતચીત થઈ એ તો હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ હવે એવી ધારણાઓએ જોર પકડ્યું છે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કોઈ નવું ગઠબંધન રચાઈ શકે છે અથવા તો જૂના સાથીઓ ફરી એક થઈ શકે છે.
દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ આ અંગે પ્રતિભાવ આપ્યો છે તેના ઉપરથી પણ અનંત અંબાણી શિવસેનાના બંને જૂથના નેતાઓને મળ્યા હોવાની વાતને સમર્થન મળે છે. પટોલેએ કટાક્ષમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં ઉદ્યોગપતિઓની સરકાર છે અને એક ઉદ્યોગપતિ અડધી રાત્રે મુખ્યપ્રધાનને મળવા જાય છે અને તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ સરકાર ઉદ્યોગપતિઓની છે, ગરીબોની નહીં.
આ પણ વાંચોઃ હિન્દુ ઓળખ ધારણ કરીને 10 વર્ષથી ભારતમાં રહેતો પાકિસ્તાની-બાંગ્લાદેશી પરિવાર ઝડપાયો