નવરાત્રિમાં ટ્રેડિશનલ કપડાં ભાડે લેવાનો ટ્રેન્ડ: ખેલૈયાઓ માટે નવો વિકલ્પ ઉપલબ્ધ, જાણો શેની છે ડિમાન્ડ
અમદાવાદ, 2 ઓકટોબર, નવરાત્રિના પડઘમ વાગી ગયા છે, ખેલૈયા દુનિયાના સૌથી મોટા નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવવા તૈયાર છે. ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત સહિત રાજ્યભરના ખેલૈયાઓએ નવરાત્રિને ખાસ બનાવવા નવા નવા ટ્રેન્ડને ફોલો કરી લીધા છે. તેમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિમાં નવા ટ્રેડિશનલ વસ્ત્ર ખરીદવાને લઈને એક અલગ ક્રેઝ જોવા મળતો હતો, પરંતુ આ વર્ષે છેલ્લા પાંચ સાત વર્ષની સરખામણીએ ભાડા પર મળતા અને નવરાત્રીના દસે દસ દિવસ પહેરી શકાય તેવા અવનવા કલરફુલ ટ્રેડિશનલ વસ્ત્ર તરફ યુવાન ખેલૈયા વળ્યા છે. આજના સમયે ખેલૈયાઓ નવા ડ્રેસ ખરીદવાની જગ્યા પર એક ડ્રેસની કિંમતમાં 10 જેટલા અવનવા કલરફૂલ ડ્રેસ મેળવી શકાય તે માટે ભાડે મળતા ડ્રેસ પર હવે ધીમે ધીમે નિર્ભર બની રહ્યા છે
ટ્રેડિશનલ કપડાં ભાડે લેવાનો ટ્રેન્ડ
નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે બજારોમાં ચણિયા ચોળી, અને ડ્રેસની ખરીદી શરૂ થઈ ગઈ છે. આ વખતે અમદાવાદ સહિતના શહેરોમાં નવરાત્રી માટે ચણિયા ચોળી અને વિવિધ રંગબેરંગી ડ્રેસ ભાડેથી લેવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ વર્ષે બજારમાં નવા ટ્રેન્ડ સાથે ચણિયાચોળી ખરીદતા લોકોથી અમદાવાદ શહેર સહિત ગુજરાતના વિવિધ બજારો ધમધમી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ખાસ કરીને કોવિડ કાળ પછીથી ચણિયાચોળી ખરીદવાને બદલે ખેલૈયાઓ તેને ભાડેથી લેવાનું પસંદ કરી રહ્યા છે. આ વર્ષે જૂની સાડીમાંથી બનાવેલા વિન્ટેજ ચણિયાચોળીનો નવો ટ્રેન્ડ જામ્યો છે. તેની સાથે બાંધણી અને ટિક્કીવાળા દુપટ્ટા કેરી કરીને નવું લૂક ખેલૈયાઓ પસંદ કરી રહ્યા છે.
500 રૂપિયાથી 1000 ના ભાડા પર અવનવા ડ્રેસ
અમદાવાદ, સુરત, રાજકોટમાં ચણિયાચોળી, કેડિયું સહિતના ટ્રેડિશનલ વસ્ત્ર ભાડે લેવાનો ટ્રેન્ડ ચાલતો હોવાનું સામે આવ્યું છે. મોંઘી ખરીદી કરવાને બદલે ખેલૈયા બજારમાંથી ટ્રેડિશનલ ડ્રેસમાં ચણિયાચોળી, કેડિયુ અને કોટી સહિતના વિવિધ પહેરવેશ ₹500થી માંડીને ₹5,000 સુધીના ભાડે લઈ રહ્યા છે. જોકે કેટલાક ખેલૈયા ખરીદી પણ કરી રહ્યા છે. રંગીલા રાજકોટિયન્સ અને કાઠિયાવાડના લોકો નવરાત્રિ માટે ગર્લ્સમાં કેડિયું, ચણિયો, ઇનર અને કેપના કોસ્ચ્યુમની સાથે છત્રી અને કેપ તો યુવાઓમાં ઝભ્ભા-પતિયાલાની સાથે સાફા ભાડે લેવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ખેલૈયાઓ અને ખાસ કરીને યુવાન વર્ગના ખેલૈયાઓ નવરાત્રિના દસ દિવસ સુધી અલગ અલગ થીમ પર ગરબા કરવા માટે જાણે કે થનગની રહ્યા હોય તે પ્રકારનો માહોલ તમામ શહેરોમાં જોવા મળી રહ્યો છે. દસ દિવસ સુધી અલગ પ્રકારે અલગ-અલગ વેશ પરિધાન થકી ગરબા ને ચાર ચાંદ લગાડી શકાય તે માટે ખેલૈયાઓ ખાસ નવરાત્રિના ડ્રેસની પસંદગી કરવાને લઈને ઉત્સુક જોવા મળી રહ્યા છે. ચોકર્સ, ઘૂંઘરું સાથેની બ્રાઝ લાઈટ વેટ જ્વેલરી ઓન ડિમાન્ડ છે. હવે વાત કરીએ ટેટૂની તો ગર્લ્સમાં સેવન ચક્રા, મોર, બટર ફ્લાય, મહાદેવ સ્કલ્પચર અને મંડાલા તો પિઅરર્સિંગમાં કાનમાં હેલિક્સ હેંગિંગ તો બોય્ઝમાં આઇબ્રોમાં પિઅરર્સિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. કેટલાક ખેલૈયા નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભાડેથી જ ટ્રેડિશનલ ડ્રેસ લેવાનું પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો…વડોદરા: નસવાડીમાં વરસાદને લઇ ગરબા આયોજકો તથા ખેલૈયા વિસામણમાં